Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

કમોસમી વરસાદથી દશેરી કેરીને ભારે નુકસાન

લંગડા અને ચૌસામાં પણ આ વખતે મીઠાશ ઓછી રહેશે : મોર ખરી જતા માત્ર ૩૦ ટકા ઉત્પાદન થવાની શકયતા

લખનૌ, તા. ૭ : ગરમીની સીઝનમાં સૌથી વધુ ખવાતા ફળોમાં એક નામ કેરીનું પણ છે પણ હોળી પહેલા અચાનક બદલાયેલ મોસમના કારણે કેરીના પાકને અસર થયવાની શકયતા છે. કમોસમી વરસાદ આ વખતે કેરીનો સ્વાદ ફીક્કો બનાવી શકે છે. વરસાદ, પવન અને કરાના મારથી આ વખતે બજારોમાં કેરીની આવક ઓછી રહેશે. મોર પર ઠંડીનો માર અને પવનના વારથી દશહરી કેરીનું ઉત્પાદન અને ગુણવતા સૌથી વધુ પ્રભાવિત થઇ શકે છે એટલે આ વખતે બજારોમાં દશેરી કેરીની રોનક ઓછી દેખાશે.

આ જ રીતે ચૌસા, લંગડા, સફેદા કેરીના ઉત્પાદનને પણ અસર થવાની શકયતા છે. વરસાદના કારણે દશહરી અને બીજી કેરીઓના ઉત્પાદનને અસર થવાથી બજારમાં કેરીની ઉપલબ્ધતા ઘટવાની સાથે મોંઘવારી વધવાની શકયતાઓ પણ વધી ગઇ છે.

ઓલ ઇન્ડયા મેંગો ગ્રોઅર્સ એસોસીએશનના પ્રમુખ ઇસરામ અલીએ કેરીના ઉત્પાદન અંગે ચિંતા વ્યકત કરી છે. મોસમના ચડાવ ઉતારના કારણે મોર લાગવાની પ્રક્રિયાને અસર થઇ છે. ઇસરામ અલીએ જણાવ્યું કે સામાન્ય રીતે મોર લાગવાની પ્રક્રિયા જાન્યુઆરીમાં શરૂ થતી હોય છે, પણ આ વખતે તે ફેબ્રુઆરીના અંતમાં શરૂ થઇ છે તેનાથી પણ ચિંતાજનક વાત એ છે કે મોરનો વિકાસ અત્યાર સુધીમાં ૩૦ ટકા જ થયો છે. જો આગામી દિવસોમાં પણ વરસાદ થાય તો વધુ નુકશાન થશે.

કમોસમી વરસાદના કારણે ફકત કેરી જ નહીં પણ ઘઉં અને સરસવના પાકને પણ નુકશાન થયું છે.

(3:48 pm IST)