Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ભૂકંપ બાદ ૩૬ કલાકમાં ૫૫૦ આફટર શોક

ખરાબ વાતાવરણના કારણે રેસ્‍કયુમાં અડચણ : તુર્કી પ્રશાસનની લોકોને રસ્‍તા પર ન નીકળવાની અપીલ : ભારતે બે રેસ્‍કયુ ટીમ મોકલી : હજારો લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા

ઇસ્‍તાંબુલ તા. ૭ : તુર્કી અને સીરિયામાં ૭.૮ની તીવ્રતાના શક્‍તિશાળી ભૂકંપ બાદ ૩૬ કલાકમાં ૫૫૦ જેટલા આફટરશોક્‍સ આવ્‍યા હતા. ૭ની તીવ્રતાવાળા ૨, ૬થી ૭ તીવ્રતાવાળા ૩, ૫થી ૬ની તીવ્રતાવાળા ૨૬, ૪થી ૫ તીવ્રતાવાળા ૧૮૫ અને ૩થી ૪ તીવ્રતાવાળા ૩૩૪ આંચકાઓ આવી ચૂક્‍યા છે. તુર્કી અને સીરિયામાં આવેલા આ શક્‍તિશાળી ભૂકંપોએ શહેરોને કાટમાળમાં ફેરવી દીધા છે. ભૂકંપ પ્રભાવિત વિસ્‍તારોમાંથી આવી રહેલા વીડિયોમાં દરેક જગ્‍યાએ ઇમારતો, મૃતદેહોના ઢગલા અને પીડિત લોકો જોવા મળે છે.

તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે અત્‍યાર સુધીમાં ૪૩૦૦ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. તુર્કીમાં ૫૬૦૦ થી વધુ ઇમારતો તોડી પાડવામાં આવી હતી. આવી જ તબાહી સીરિયામાં પણ જોવા મળી હતી. તુર્કી અને સીરિયામાં બચાવ ટુકડીઓ કાટમાળ નીચે દટાયેલા લોકોનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે, પરંતુ ઠંડી, વરસાદ અને હિમવર્ષાએ આ ટીમોની પડકારો વધારી દીધી છે. તુર્કીના ઘણા વિસ્‍તારોમાં બરફના તોફાનની પણ આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

તુર્કીમાં સોમવારે સવારે ૪.૧૭ કલાકે ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો હતો. ભૂકંપનું કેન્‍દ્ર ગાજિયનટેપ નજીક હતું. તે સીરિયા બોર્ડરથી ૯૦ કિમી દૂર સ્‍થિત છે. આવી સ્‍થિતિમાં સીરિયાના અનેક શહેરોમાં ભૂકંપના જોરદાર આંચકા પણ અનુભવાયા હતા. તુર્કીમાં ૧૦૦ વર્ષમાં આ સૌથી શક્‍તિશાળી ભૂકંપ હોવાનું કહેવાય છે. તુર્કીમાં ૭.૮ની તીવ્રતાના ભૂકંપ બાદ અત્‍યાર સુધીમાં લગભગ ૫૫૦ આફટરશોક્‍સ આવ્‍યા છે. ભૂકંપના ૯ કલાક બાદ આવેલા આફટરશોકની તીવ્રતા  ૭.૫ હતી. વિશ્વભરના ધરતીકંપોના આંકડાકીય વિશ્‍લેષણના આધારે, તુર્કીમાં પ્રથમ ધરતીકંપ પછી, માત્ર ૬.૮ તીવ્રતા સુધીના આફટરશોક્‍સની અપેક્ષા રાખવામાં આવી હતી. સામાન્‍ય રીતે તમામ મોટા ભૂકંપ પછી ઘણા આફટરશોક્‍સ અનુભવાય છે. પરંતુ તુર્કીમાં આવેલા કેટલાક આફટરશોક્‍સની તીવ્રતા ઘણી વધારે હતી. આફટરશોકની તીવ્રતા પણ ૭.૫ હતી, એટલે કે લગભગ પહેલા ભૂકંપ જેટલી જ. જોકે, યુનાઈટેડ સ્‍ટેટ્‍સ જિયોલોજિકલ સર્વેના સિસ્‍મોલોજીસ્‍ટ સુસાન હફ કહે છે કે આમાં આર્યજનક કંઈ નથી. કેટલીકવાર આફટરશોક્‍સ મૂળ ધરતીકંપ કરતાં વધુ તીવ્રતાના હોય છે.

તુર્કી અને સીરિયામાં બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભારતે તેની બચાવ ટીમ તુર્કી મોકલી છે. બીજી તરફ અમેરિકા સહિત નાટોના તમામ ૪૦ દેશો પણ તુર્કીની મદદ માટે આગળ આવ્‍યા છે. રેસ્‍ક્‍યુ ટીમ કાટમાળમાં જીવોને શોધી રહી છે. જો કે ખરાબ હવામાન અને ઠંડીના કારણે બચાવકાર્યમાં ઘણી મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તુર્કીના સ્‍વાસ્‍થ્‍ય મંત્રીએ કહ્યું કે હવામાન અને દુર્ઘટનાનો વિસ્‍તાર બચાવ ટીમો માટે પડકારો ઉભો કરી રહ્યો છે. ખરાબ હવામાનને કારણે રેસ્‍ક્‍યુ ટીમના હેલિકોપ્‍ટર પણ ઉડી શકતા નથી. એટલું જ નહીં તાજેતરમાં તુર્કી અને સીરિયાના ઘણા વિસ્‍તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો છે.

અલ જઝીરાના અહેવાલ મુજબ શિયાળાના હવામાનને કારણે બચાવ ટીમો માટે સ્‍થિતિ ઘણી મુશ્‍કેલ બની ગઈ છે. બધે માત્ર બરફ અને વરસાદ જ દેખાય છે. તુર્કીમાં ઠંડી ઘણી વધી ગઈ છે, આવી સ્‍થિતિમાં બચાવ કર્મચારીઓને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

તુર્કીના વહીવટીતંત્રે લોકોને રસ્‍તાઓ ખાલી રાખવાની અપીલ કરી છે જેથી કરીને ભૂકંપ પ્રભાવિત વિસ્‍તારોમાં બચાવ ટુકડીઓ સરળતાથી પહોંચી શકે. તુર્કીની આપત્તિ અને ઇમરજન્‍સી મેનેજમેન્‍ટ એજન્‍સીએ કહ્યું કે જો જરૂરી ન હોય તો, શેરીઓમાં ન નીકળો. જેથી ઈમરજન્‍સી વાહનોને ભૂકંપ પ્રભાવિત વિસ્‍તારોમાં પહોંચવામાં કોઈ મુશ્‍કેલી ન પડે. એટલું જ નહીં ભૂકંપ પ્રભાવિત વિસ્‍તારોમાં ૩૦૦,૦૦૦ લાખ ધાબળા, ૨૪,૭૧૨ પથારી, ૧૯,૭૨૨ ટેન્‍ટ મોકલવામાં આવ્‍યા છે

 

(3:39 pm IST)