Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

વિધર્મી સાથે લગ્ન કરવા માટે ધર્માન્તર ઉપર પ્રતિબંધ મુકતો ઉત્તર પ્રદેશનો કાનૂન મુસ્લિમ યુવકોને નિશાન બનાવવા માટેનો છે : નવો કાનૂન પુખ્ત વયની વ્યક્તિને પોતાની પસંદગીનો ધર્મ નક્કી કરવાના અધિકાર ઉપર તરાપ સમાન : જમિયત ઉલેમા એ હિંદની સુપ્રીમ કોર્ટમાં પિટિશન

ન્યુદિલ્હી : વિધર્મી સાથે લગ્ન કરવા માટે ધર્માન્તર ઉપર પ્રતિબંધ મુકતો ઉત્તર પ્રદેશનો કાનૂન મુસ્લિમ યુવકોને નિશાન બનાવવા માટેનો છે . નવો કાનૂન પુખ્ત વયની વ્યક્તિને પોતાની પસંદગીનો ધર્મ નક્કી કરવાના અધિકાર ઉપર તરાપ સમાન છે.આ નવા કાનૂનને પડકારતી પિટિશન  જમિયત ઉલેમા એ હિંદએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે.

પિટિશનમાં ઉત્તર પ્રદેશના ધર્માન્તર અને પરધર્મી સાથે લગ્ન અંગે પસાર કરાયેલા 2020 ની સાલના ગેરબંધારણીય કાનૂન ,તથા ઉત્તરાખંડના 2018 ની સાલના ફ્રીડમ ઓફ રિલિજીઅન એક્ટ ને પડકારાયો  છે.

જે અંતર્ગત  જણાવ્યા મુજબ આ કાનૂન મુસ્લિમ યુવકોને નિશાન બનાવવા માટે પસાર કરાયો છે.તેમજ ભારતના બંધારણની કલમ 14 ,21 ,તથા 25 ના  ભંગ સમાન છે.દરેક વ્યક્તિને ધર્મની પસંદગી કરવાનો અને પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાનો બંધારણીય અધિકાર આપે  છે.

પિટિશનમાં વિશેષમાં જણાવાયા મુજબ પરધર્મી સાથે લગ્ન કરવા ધર્માન્તર કરનાર દંપતીને હેરાન કરવા માટે પણ તેના વાલીઓ દ્વારા આ કાનૂનનો ગેર ઉપયોગ થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે ધર્માન્તર અને પરધર્મી સાથે લગ્ન વિરુદ્ધ પ્રસ્તાવ યુ.પી.કેબિનેટ દ્વારા મંજુર કરાયો છે.અને ગવર્નર આનંદીબેન પટેલે આ કાનૂનને નવેમ્બર માસમાં હસ્તાક્ષર કરી મંજૂરી આપી છે.

આ કાનૂન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 2 પિટિશન દાખલ કરાયેલી છે.તથા સ્ટે ની માંગણી કરાઈ છે.પરંતુ ચીફ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડેની ખંડપીઠે સ્ટે આપવાનો ઇન્કાર કર્યો છે.તથા રાજ્ય સરકારનો આ મામલે ખુલાસો માંગ્યો છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:53 pm IST)