Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ધર્મના અધિકાર કરતા જિંદગી જીવવાનો અધિકાર વધુ મોટો છે : કોવિદ -19 ના નિયમોમાં બાંધછોડ કર્યા વિના ધાર્મિક તહેવારો ઉજવવા જોઈએ : રંગાસ્વામી મંદિરમાં તહેવારોની ઉજવણી ઉપર મુકાઈ ગયેલા પ્રતિબંધ વિરુદ્ધ કરાયેલી જાહેર હિતની અરજીના અનુસંધાને મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો

ચેન્નાઇ : મદ્રાસ હાઇકોર્ટમાં શ્રીરંગમ મુકામે આવેલા રંગાસ્વામી મંદિરમાં એપ્રિલ 2020 થી તહેવારો ઉજવવા ઉપર મુકાઈ ગયેલા પ્રતિબંધ વિરુદ્ધ રંગરાજન નરસિંહન નામક વ્યક્તિએ કરેલી જાહેર હિતની અરજીના અનુસંધાને  ચીફ જસ્ટિસ સંજીબ બેનરજી તથા જસ્ટિસ સેંથીકુમાર રામમૂર્થીની બેન્ચે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે ધર્મના અધિકાર કરતા જિંદગી જીવવાનો અધિકાર ઊંચો છે.

નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે કોવિદ -19 ના નિયમોમાં બાંધછોડ કર્યા વિના ધાર્મિક તહેવારો ઉજવવા જોઈએ .લોકોનું હીત ધ્યાનમાં રાખીને તહેવારોની ઉજવણી કરવી જોઈએ.વર્તમાન કોવિદ -19 ના સંજોગોમાં સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમોમાં અમે હસ્તક્ષેપ કરી શકીએ નહીં.

નામદાર ચીફ જસ્ટિસે આ અંગે કોલકાત્તામાં ઉજવાતા દુર્ગા પૂજા ઉત્સવનું પણ ઉદાહરણ આપ્યું હતું.તથા કોવિદ -19 સંજોગોમાં ભીડ ભેગી કર્યા વિના કરાયેલી ઉજવણી અંગે ચોખવટ કરી હતી.ઉપરાંત ફટાકડા ફોડવા ઉપર કોલકાત્તા હાઇકોર્ટ દ્વારા મુકાયેલા પ્રતિબંધ અંગે પણ જણાવ્યું હતું.તથા ઉમેર્યું હતું કે કોલકાત્તા હાઇકોર્ટના ઉપરોક્ત બંને ચુકાદાઓ સુપ્રીમ કોર્ટએ પણ માન્ય રાખ્યા હતા.

પિટિશનર નરસિંહને કોવિદ -19 ના નિયમોના પાલન સાથે પરંપરાગત તહેવાર ઉજવી શકાય તેમ જણાવ્યું હતું.તેમછતાં સરકાર અમુક તહેવારો ઉજવવાની મંજૂરી આપે છે.જયારે અમુક ઉપર પ્રતિબંધ મૂકે છે.તે બાબતે ખેદ વ્યક્ત કર્યો હતો.

જેના અનુસંધાને નામદાર કોર્ટએ કોવિદ -19 ના નિયમોના પાલન સાથે અને પ્રજાની સલામતીને ધ્યાનમાં રાખીને માર્યાદિત સંખ્યા સાથે  તહેવાર ઉજવી શકાય તો તે અંગે ઘટતું કરવા રાજ્ય સરકારને સૂચના આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.તથા આ અંગેનો અહેવાલ 6 સપ્તાહમાં સરકારે આપવાનો રહેશે  તેમ જણાવ્યું હતું. તેમજ નિર્ણય લેવામાં જરૂર પડે તો પિટિશનર નરસિંહનને પણ કમિટીમાં શામેલ કરવા અનુરોધ કર્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:46 pm IST)