Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

નિર્ભયાના અપરાધીઓ પાસે હજુ કાનૂની વિકલ્પ રહેલા છે

ડેથ વોરંટ બાદ હવે દયાની અરજી દાખલ થશે : દયા અરજી દાખલ થશે તો નિકાલ સુધી વોરંટ હોલ્ડ પર

નવીદિલ્હી, તા. : નિર્ભયા કેસમાં ચારેય દોષિતોની સામે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ જારી કરી દીધું છે. આની સાથે અપરાધીઓ ફાંસીના ફંદાની નજીક પહોંચી ગયા છે. અલબત્ત તેમની પાસે કેટલાક કાનૂની વિકલ્પો બચેલા છે. જો દોષિતો તેનો ઉપયોગ નહીં કરે તો તેમને ૨૨મી જાન્યુઆરીના દિવસે ફાંસી આપી દેવામાં આવશે પરંતુ જો તેઓ દયાની અરજી દાખલ કરે છે તો તેમના ઉકેલ સુધી ડેથ વોરંટ પર સ્ટે આવી જશે. કાનૂની જાણકાર લોકો કહે છે કે, ડેથ વોરંટ જારી કરવામાં આવ્યા બાદ દયાની અરજી અને રિટ અધિકાર રહેલા છે. કાનૂની જાણકાર લોકો કહે છે કે, ડેથ વોરંટ જારી થઇ ગયા બાદ અપરાધી ઇચ્છે તો દયાની અરજી દાખલ કરી શકે છે. મામલામાં હજુ સુધી અપરાધીઓ તરફથી દયાની અરજી દાખલ કરાઈ નથી.

           આવી સ્થિતિમાં અપરાધીઓ વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. દયાની અરજી દાખલ કરવા માટે કોઇ સમય મર્યાદા હોતી નથી. મામલામાં હવે ક્યુરેટિવ પિટિશનનો રસ્તો બંધ થઇ ગયો છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટના રુલ અને ઓર્ડર મુજબ જોગવાઈ છે કે, ક્યુરેટિવ પિટિશન દાખલ કરવાના ગાળા દરમિયાન અરજીમાં દર્શાવવું પડે છે કે, તેમના ગ્રાઉન્ડને રિવ્યુ પિટિશન ઉપર ચેમ્બરના વિચારણાના ભાગરુપે જોવામાં આવ્યા નથી ત્યારે ક્યુરેટિવ પિટિશન દાખલ કરવામાં આવે છે પરંતુ વર્તમાન મામલામાં રિવ્યુ પિટિશનની સુનાવણી ઓપન કોર્ટમાં થઇ છે જેથી ક્યુરેટિવ પિટિશન આમા દાખલ થઇ શકે તેમ નથી.

            ક્યુરેટિવ પિટિશનમાં વરિષ્ઠ વકીલની મંજુરી પણ હોય છે. દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરવામાં આવશે. માનવ અધિકારના નામ ઉપર પણ અરજી દાખલ કરવામાં આવી શકે છે. જો કે, કોર્ટ કેસમાં મેરિટના આધાર ઉપર કોઇ અરજી થઇ શકે તેમ નથી. કોઇ કોર્ટમાં અરજી પેન્ડિંગ નથી જેથી નિચલી કોર્ટે ડેથ વોરંટ જારી કર્યું છે. જો ગાળા દરમિયાન અપરાધી દયાની અરજી કરે છે તો નિકાલ આવે ત્યાંસુધી ડેથ વોરંટ હોલ્ડ ઉપર રહી શકે છે.

            મોહમ્મદ અફઝલના મામલામાં આવું થયું હતું. અપરાધીના નામે ડેથ વોરંટ જારી થયું હતું પરંતુ મોડેથી તેમના તરફથી દયાની અરજી થઇ હતી અને ડેથ વોરંટ ઉપર બ્રેકની સ્થિતિ મુકાઈ હતી. દયાની અરજી દાખલ કરવા માટે કોઇ સમય મર્યાદા નથી. રાષ્ટ્રપતિ સમક્ષ પણ દયાની અરજીનો નિકાલ લાવવા કોઇ સમય મર્યાદા નક્કી કરાઈ નથી.

(7:35 pm IST)