Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

કાલથી ફરી ઠંડીમાં ક્રમશઃ વધારો : શુક્રવાર સુધીમાં પારો ૩ થી ૫ ડિગ્રી ગગડશે

૧૧મીથી ઉત્તર ભારત - રાજસ્થાન અને પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે : તા.૧૨-૧૩ના છુટાછવાયા વાદળો જોવા મળશે : ૧૩મીના ઝાકળની સંભાવના : આ અઠવાડીયામાં ઠંડીનો સૌથી વધુ અનુભવ શુક્રવારે થશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા.૭ : છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીમાં આંશિક રાહત જોવા મળી રહી છે ત્યારે આવતીકાલથી ઠંડીમાં ફરી ક્રમશઃ વધારો જોવા મળશે. આ સપ્તાહમાં આગામી શુક્રવારના સૌથી વધુ ઠંડીની અસર દેખાશે. ૧૦મી સુધી ઠંડીનો પારો ૩ થી ૫ ડિગ્રી જેટલો ગગડી જશે. તા.૧૨-૧૩ના છુટાછવાયા સ્થળોએ વાદળોનું પ્રમાણ જોવા મળશે. ૧૩મીના ઝાકળની સંભાવના છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે ગત આગાહી મુજબ છેલ્લા બે ત્રણ દિવસથી લઘુતમ તાપમાનમાં વધારો જોવા મળેલ છે. જેમ કે આજે રાજકોટમાં ૧૬ ડિગ્રી (નોર્મલથી ૩ ડિગ્રી ઉંચુ) જયારે ગઈસાંજે મહત્તમ તાપમાન ૩૧.૭ ડિગ્રી (નોર્મલથી ૪ ડિગ્રી ઉંચુ) નોંધાયેલ. હાલમાં રાજકોટમાં લઘુતમ નોર્મલ તાપમાન ૧૩ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી ગણાય. તેવી જ રીતે અમદાવાદમાં ૧૬.૭ (નોર્મલથી ૪ ડિગ્રી ઉંચુ), વડોદરામાં ૧૫.૪ (નોર્મલથી ૨ ડિગ્રી ઉંચુ), ભુજ - ૧૨.૮ (નોર્મલથી ૩ ડિગ્રી ઉંચુ) નોંધાયેલ. હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેની અસરરૂપે રાજસ્થાન અને ઉત્તર ભારતમાં વરસાદ પડ્યો તેવી જ રીતે એક બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તા.૧૧ના ઉત્તર પાકિસ્તાનને લાગુ ઉત્તર ભારત પહોંચશે. જેની અસરથી ૧૨મીથી રાજસ્થાન અને ઉત્તર ભારત તેમજ પાકિસ્તાનમાં જોવા મળશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સૌરાષ્ટ્રને થશે કે નહિં તે બે થી ત્રણ દિવસમાં નવી અપડેટ આપવામાં આવશે.

અશોકભાઈએ તા.૭ થી ૧૪ જાન્યુઆરી સુધીની સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતની આગાહી કરતા જણાવ્યુ છે કે જનરલ પવન નોર્મલ શિયાળુ ફૂંકાશે. તા.૧૨ના બપોર બાદ ઉત્તર પશ્ચિમના થશે. તા.૧૧-૧૨ના પવનની દિશા ફર્યે રાખશે. તા.૧૩ના ઝાકળની સંભાવના છે.  આગાહી સમયમાં આવતીકાલથી ફરી તાપમાનમાં ઘટાડો જોવા મળશે. ફરી તાપમાન નોર્મલ કે નોર્મલથી નીચુ જશે. આવતા શુક્રવાર સુધીમાં વિવિધ સેન્ટરોમાં લઘુતમ તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળશે. તા.૧૨-૧૩ના છુટાછવાયા સ્થળોએ વાદળો જોવા મળશે.  તા.૯ સુધી દિવસનું તાપમાન પણ નીચુ રહેશે. જયારે તા.૧૦ થી ૧૨ સુધી ફરી તાપમાનમાં વધારો જોવા મળશે. આવતા શુક્રવાર સુધી પવન ૧૫ થી ૨૨ કિ.મી.ના ફૂંકાશે. ત્યારબાદ થોડો ઘટાડો થશે. તા.૧૨-૧૩માં ફરી વધારો જોવા મળશે.

(4:40 pm IST)