Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ઈન્કમટેક્ષમાં રાહત મળશેઃ ઘર ખરીદવા અનેક પ્રોત્સાહનો અપાશે

કેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧માં મધ્યમ વર્ગને રાજી કરવા સરકાર પ્રયાસ કરશેઃ ટેક્ષ વર્ષમાં ૧૦ ટકાથી વધુ નહિ રાખવા વિચારણાઃ તમામ પ્રકારના સરચાર્જને નાબૂદ કરવા પણ વિચારણાઃ ટેક્ષ સ્લેબને પણ બદલવા વિચારઃ મંદીને ભગાવવા અનેકવિધ પગલાઓ જાહેર કરાશે

નવી દિલ્હી, તા. ૭ :. ૨૦૨૦-૨૧ના આવી રહેલા બજેટમાં સરકાર મધ્યમ વર્ગને રાજી કરવા માટે ઈન્કમટેક્ષમાં મોટી રાહત આપે તેવી શકયતા છે તેવો નિર્દેશ સરકારના ટોચના બે અધિકારીઓએ આપ્યો છે. સરકારની અંદર આ બાબતે અનેક વખત ચર્ચાઓ થઈ ચુકી છે. સરકારનું માનવુ છે કે ટેક્ષ ઘટાડવાથી લોકોના હાથમાં વધુ પૈસા રહેશે અને લોકો વધુ ખર્ચ કરી શકશે. નાણા મંત્રાલય એવા પ્રસ્તાવ પર કામ કરી રહ્યુ છે જેનાથી મધ્યમ વર્ગને પોતાની કમાણીના ૧૦ ટકાથી વધુ ટેક્ષ આપવો ન પડે.

આનો અર્થ થયો કે જો કોઈ વ્યકિત ૧ લાખ રૂપિયાનો ટેક્ષ દેતો હોય તો તેનો ટેક્ષ વર્ષમાં માત્ર ૧૦ હજાર રૂપિયા જ થાય. નાણા મંત્રાલય આ પ્રકારના પ્રસ્તાવો પર વિચારણા કરી રહ્યુ છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંદીના મારથી ખળભળી ઉઠેલી અર્થવ્યવસ્થાને સંભાળવા માટે આમ આદમીને ટેક્ષમાં રાહત મળવી જોઈએ તેવુ સરકારનું માનવુ છે. સરકાર મધ્યમ વર્ગ માટે લાગુ તમામ પ્રકારના સરચાર્જ પણ નાબુદ કરે તેવી શકયતા છે. આ સિવાય ટેક્ષ સ્લેબને બદલવા પણ વિચારણા કરવામાં આવી રહી છે.

એક પ્રસ્તાવમા સરકાર ઘર ખરીદવા પર ટેક્ષમાં છૂટ આપી શકે છે કારણ કે રીયલ એસ્ટેટ એક મહત્વનુ ક્ષેત્ર છે. આ ક્ષેત્રને બુસ્ટ મળવાથી સંપૂર્ણ અર્થવ્યવસ્થાને ફાયદો થઈ શકે છે. અત્રે એ નોંધનીય છે કે ગયા વર્ષે સરકારે ગયા વર્ષે જ્યારે કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો કર્યો હતો ત્યારે સરકાર પાસે માંગણી થઈ હતી કે ઈન્કમટેક્ષમાં પણ છૂટ મળવી જોઈએ. જો કે સરકાર સમક્ષ પડકાર એ છે કે પહેલેથી ટેક્ષ કલેકશન ઓછુ થયુ છે તેથી સરકારે એક સંતુલન બનાવવુ પડશે જે તેના માટે સરળ નથી.

(3:21 pm IST)