Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ચૂંટણી પહેલા જ કોંગ્રેસ તૂટશે : પક્ષમાં સિનિયર નેતાઓનો અસંતોષ ચરમસીમાએ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સનસનીખેજ ધડાકો : કોંગી નેતાઓને - કાર્યકરોને ભાજપમાં જોડાવા ખુલ્લુ આમંત્રણ પણ આપ્યું

નવી દિલ્હી તા. ૭ : ગુજરાત કોંગ્રેસમાં છેલ્લાં કેટલાંક દિવસથી કંઇક નવા-જૂની થઇ રહ્યાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ભાજપે કોંગ્રેસના બળતામાં ઘી હોમ્યું છે. આજે ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે લોકસભા પહેલાં જ કોંગ્રેસ તૂટશે. કોંગ્રેસમાં સિનિયર નેતાઓનો અસંતોષ ચરમસીમાએ છે. નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસના નેતાઓને ખુલ્લું આમંત્રણ પણ આપ્યું. તો કોંગી કાર્યકરોને પણ BJPમાં જોડાવા ખુલ્લી ઓફર કરી છે.

 

બીજીબાજુ ચર્ચા છે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસમાં બળવાનું રણશિંગુ ફુંકે તેવી શકયતાઓ જોવામાં આવી રહી છે.

અલ્પે્શ ઠાકોર ભાજપમાં જોડાઇ શકે તેવા સમાચારો વહેતા થયા છે. જેનાં કારણે ગુજરાતમાં રાજકારણ ફરી એકવાર ગરમાઇ ગયું છે. જો કે આ અંગે અલ્પેશ દ્વારા હજી સુધી કોઇ સ્પષ્ટ પ્રતિક્રિયા સામે આવી નથી.

તદઉપરાંત અલ્પેશ ઠાકોરને પક્ષમાં જોડાવા મામલે નીતિન પટેલે કહ્યું કે, અલ્પેશે પક્ષમાં આવવું હોય તો તેમનું સ્વાગત છે. તેમને પક્ષમાં સમાવવા એ સંગઠનનું કામ છે.

નીતિન પટેલના આ નિવેદન સામે કોંગ્રેસના નેતાઓએ વળતો જવાબ આપ્યો છે. અલ્પેશ ઠાકોર પક્ષ સાથે નારાજગી નથી. જો મનદુઃખ થયું હશે તો તેનો ઘરમાં જ ઉકેલ આવશે.

કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે, ભાજપમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે એટલે એ ગભરાઈને આવા નિવેદનો આપી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે થોડાંક દિવસ પહેલાં જ અમદાવાદ ખાતે અર્જુન મોઢવાડિયાના ઘરે અડધી રાત્રે કોંગ્રેસના નારાજ નેતાઓની બેઠક મળી હતી. તો ગઈકાલે દિલ્હીમાં હાઈકમાન્ડની બેઠક મળી. તો બીજીબાજુ કોંગ્રેસનો આંતરિક કલહ ઠારવા હાઈકમાન્ડ સતર્ક છે.(૨૧.૨૪)

(3:56 pm IST)