Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

'અમીરોકો રેવડી ઔર કિસાનોની જેબમાં કૌડી'

વરૂણે રાહુલના સૂરમાં સૂર પુરાવ્યો અને કહ્યું

નવી દિલ્હી તા. ૭ : ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણ અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશમાં મોટા ભાગના ખેડૂતોને તેમના માટે જે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેનો લાભ મળતો જ નથી. આ સાથે તેમણે ખેડૂતોની સાથે સરકારે ભેદભાવ રાખ્યો હોવાનું પણ જણાવ્યું હતું.

વરૂણ ગાંધીએ જણાવ્યું હતું કે શું તમને એ ખ્યાલ છે કે ૧૯૫૨થી લઇને અત્યાર સુધી ૧૦૦ ઉદ્યોગપતિઓને જેટલા પૈસા આપવામાં આવ્યા તે રકમના માત્ર ૧૭ ટકા ધન જ કેન્દ્ર અને રાજય સરકારોએ ખેડૂતોને આપ્યા છે. એટલે કે દેશના ઉધ્યોગપતિઓને સરકારો પાસેથી ખેડૂતોની સરખામણીએ વધુ આર્થીક મદદ મળી રહી છે.

વરૂણ ગાંધીએ જણાવ્યું હતું કે આપણે એ વિચારવું પડશે કે દેશમાં અંતીમ વ્યકિતને કેવી રીતે લાભ પહોંચાડી શકાય. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગામડાઓને દત્તક લેવા જોઇએ. જોકે અમે ગામડા પણ દત્તક લીધા પણ અમે જોયુ કે ગ્રામીણ વિસ્તારમાં રસ્તા બનાવ્યા, પુલો બનાવ્યા, સોલાર પેનલ પણ લગાવી પણ તેમ છતા ગ્રામીણ જનતાની આર્થિક પરિસ્થિતિમાં કોઇ જ સુધારો નથી આવ્યો. ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાનું એક કારણ સુવિધાઓનો અભાવ પણ છે, આજે પણ દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના પાકને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ નથી. અને જે છે તેનો લાભ ખેડૂતોને મળી નથી રહ્યો.(૨૧.૯)

(11:46 am IST)