Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

રેપો-રિવર્સ રેપોરેટ, CRRને યથાવત રાખવાનો અંતે નિર્ણય

આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ જાહેર : જીડીપી ગ્રોથનો અંદાજિત દર પણ ૬.૭ ટકા ઉપર યથાવત રાખવાનો નિર્ણય લેવાયો : ૨૦૧૮માં જીડીપી ૬.૭ ટકા થઇ શકે છેઃ આરબીઆઈ દ્વારા દાવો

મુંબઈ, તા. ૬ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષા આજે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કમિટિએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અલબત્ત એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો છે. પોલિસી સમીક્ષાની બેઠકમાં તમામ પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવ્યા બાદ આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. આરબીઆઈની એમપીસીની બેઠક ગઇકાલે શરૂ થઇ હતી. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. બીજી બાજુ રિઝર્વ બેંકે જીડીપી ગ્રોથના અંદાજિત દરને ૬.૭ ટકા યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે નાણાંકીય વર્ષ ૨૦૧૮માં દેશના જીડીપીનો દર ૬.૭ ટકાના દરે વધવાની વાત કરી છે. રિઝર્વ બેંકે બીજા ત્રિમાસિક ગાળામાં મોંઘવારીનો દર ૪.૩ ટકાથી ૪.૬ ટકા રહેવાનો અંદાજ મુક્યો છે. નવી ક્રેડિટ પોલિસી જાહેર કરવામાં આવ્યા બાદ શેરબજારમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. એમપીસીમાં સામેલ રહેલા પ્રોફેસર રવિન્દ્ર ધોળકિયાએ આ વખતે પણ ૦.૨૫ ટકાનો ઘટાડો કરવાની તરફેણ કરી હતી પરંતુ બાકીના પાંચ સભ્યોએ સર્વસંમતિ દર્શાવી હતી અને ધોળકિયાના મત સાથે સહમત ન હતા. રિઝર્વ બેંક તરફથી જારી કરવામાં આવેલા મોનિટરી પોલિસી સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોંધવારીને ચાર ટકાના દરે રાખવા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે લક્ષ્યને ધ્યાનમાં લઇને પોલિસી રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. અત્રે નોંધનીય છે કે, છેલ્લે ઓગસ્ટ મહિનામાં નીતિ સમીક્ષા જારી કરતી વેળા રિઝર્વ બેંકે રેપો અને રિવર્સ રેપોરેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો. ચોથી ઓક્ટોબરની નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા ન હતા.  આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠક ગઇકાલે મંગળવારના દિવસે શરૂ થઇ હતી. બેઠક શરૂ થયા બાદથી જ રેટમાં કોઇ ઘટાડો કરાશે કે કેમ તેને લઇને ચર્ચા ચાલી રહી હતી. આરબીઆઈ તમામ પાસાઓને ધ્યાનમાં લઇ રહી હતી. અર્થતંત્રમાં મંદી પ્રવર્તી રહી છે. સરકાર અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવાની દિશામાં આગળ વધી રહી છે. વર્તમાન ખાતાકીય ખાદ ચાર વર્ષની ઉંચી સપાટી ઉપર જૂન ત્રિમાસિક ગાળામાં પહોંચી ગઈ છે. આરબીઆઈની પોલિસી સમીક્ષામાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, પાંચ ત્રિમાસિક ગાળા બાદ પ્રથમ વખત અંદાજિત વિકાસદરમાં સુધારો થયો છે. બીજા ત્રિમાસિક ગાળામાં ઔદ્યોગિક ઉત્પાદન વધવાથી અંદાજિત વિકાસદરમાં સુધારો થયો છે. ફુડ અને ક્રૂડની કિંમતો વધી રહી છે જેના ઉપર આરબીઆઈની ચાંપતી નજર છે. નજીકના ભવિષ્યમાં રિટેલ બજારમાં કિંમતો ઘટવાના કોઇ સંકેત દેખાઈ રહ્યા નથી. ગ્લોબલ માર્કેટમાંથી પણ હાલમાં સારા સંકેત મળી રહ્યા છે. બેંકોમાં જંગી નાણાં ઠાલવી દેવાની જાહેરાતથી નવી તેજી આવી છે. રિકેપિટાલાઇઝેશનથી સરકારી બેંકોની સ્થિતિમાં સુધારો થશે.

(7:35 pm IST)