Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

પોલીસી સમીક્ષાના દિવસે જ સેંસેક્સ ૨૦૫ પોઇન્ટ ડાઉન

નિફ્ટી ૭૪ પોઇન્ટ ઘટીને ૧૦૦૪૪ની સપાટી પર : મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં નજીવો ઘટાડો નોંધાયો

મુંબઈ, તા.૬ : આરબીઆઇની પોલીસી સમીક્ષા જારી કરવામાં આવ્યા બાદ આજે તેની અસર જોવા મળી ન હતી. પોલીસી સમીક્ષાના દિવસે સેંસેક્સમાં ૨૦૫ પોઇન્ટનો મોટો ઘટાડો થયો હતો. જેથી તેની સપાટી ૩૨૫૯૭ની સપાટી પર રહ્યો હતો. આવ જ નિફ્ટી ૭૪ પોઇન્ટ ઘટીને ૧૦૦૪૪ની નીચી સપાટી પર રહ્યો હતો. મિડકેપમાં ૦.૯ ટકાનો ઘટાડો થયો છે. આવી જ રીતે સ્મોલ કેપમાં ૦.૭ ટકા સુધીનો ઘટાડો થયો હતો. શેરબજારમાં આજે ઉથલપાથલ જોવા મળી હતી. પોલીસી સમીક્ષા જારી કરવામાં આવ્યા બાદ એમ માનવામાં આવી રહ્યુ હતુ કે તેમાં તેજી રહેશે પરંતુ તેમાં મંદી  રહી હતી.  ગઇકાલે મંગળવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૬૭ પોઇન્ટ ઘટીને ૩૨૮૦૨ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૯ પોઇન્ટ ઘટીને ૧૦૧૧૮ની નીચી સપાટીએ રહ્યો હતો.  વર્તમાન નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા જુલાઈ-સપ્ટેમ્બર મહિનામાં ભારતનો આર્થિક વિકાસ દર વધીને ૬.૩ ટકા થઇ ગયો છે જે એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકા રહ્યો હતો. આરબીઆઈની પોલિસી સમીક્ષા, ગુજરાત ચૂંટણી, વૈશ્વિક પરિબળો સહિતના પાસાઓને ધ્યાનમાં લઇને કારોબારીઓ આગળ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. હાલમાં મંદી જારી રહી છે.  વૈશ્વિક સંસ્થાઓ દ્વારા ભારતના અર્થતંત્રને આશાસ્પદરીતે રજૂ કરવામાં આવ્યા બાદ આનો લાભ ઉઠાવવા માટે કારોબારીઓ તૈયાર છે પરંતુ જુદા જુદા પરિબળો વચ્ચે હાલ જંગી રોકાણ કરવાની તૈયારી દેખાઈ રહી નથી. વધતી જતી નાણાંકીય ખાદ અને લિક્વિડીટીને લઇને ચિંતા રોકાણકારોને પ્રવર્તી રહી છે. ગુજરાતમાં હાઈવોલ્ટેજ ચૂંટણીને લઇને પણ તમામની નજર કેન્દ્રિત થઇ છે.

ગુજરાતમાં આગામી સપ્તાહમાં પ્રથમ તબક્કા માટે મતદાન યોજાનાર છે. જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષા આજે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કમિટિએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અલબત્ત એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો છે.

(7:28 pm IST)