Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯રના દિવસે મસ્જિદ તૂટી હતી

બાબરી મસ્જિદ ધ્વંસના રપ વર્ષ પૂર્ણ થયા છે : રપ વર્ષ બાદ પણ ઘણા પ્રશ્નોના જવાબ હજુ મળ્યા નથી : વિવાદો અકબંધ જ રહ્યા છે : સલામતિ મજબૂત રખાઇ

નવી દિલ્હી, તા. ૬: બાબરી મસ્જિદ ધ્વંસને ૨૫ વર્ષ થઈ ગયા છે પરંતુ ઘણા વિવાદો અને પ્રશ્નોનો ઉકેલ હજુ સુધી આવી શક્યો નથી. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ૧૬મી સદીની મસ્જિદને તોડી પાડવામાં આવી હતી ત્યારબાદ મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં મુંબઈ અને અન્ય વિસ્તારોમાં વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી અને આ હિંસાનો દોર ઘણા સમય સુધી ચાલ્યો હતો. બાબરી મસ્જિદને રામ જન્મ ભૂમિ તરીકે જાણીતી જમીન પર ફરી કબજો જમાવવાના પ્રયાસરૂપે હિન્દુ કાર સેવકો દ્વારા તોડી પાડવામાં આવી હતી. ધાર્મિક કાર્યક્રમ એકાએક હિંસામાં ફેરવાઈ જતા આ મસ્જિદને આ હિંસા વેળા તોડી પાડવામાં આવી હતી. બાબરી મસ્જિદ ધ્વંસના પરિણામે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના વચ્ચે મહિનાઓ સુધી આંતરકોમવાદી હિંસાનો દોર ચાલ્યો હતો જેથી ૨૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા. અયોધ્યા શહેરને હિન્દુ લોકો ભગવાન રામના જન્મ સ્થળ તરીકે ગણે છે અને તેને સૌથી પવિત્ર સ્થળ તરીકે ગણે છે. ૧૫૨૮માં મુઘલોના આક્રમણ બાદ મુઘલ  મીરબાંકીએ મસ્જિદ બનાવી હતી. બાંકીએ આ સ્થળ પર રામના પહેલાથી જ રહેલા મંદિરને તોડી પાડીને મસ્જિદ બનાવી હતી. ત્યારબાદ આનું નામ બાબર પર આપવામાં આવ્યુ હતુ. વર્ષો સુધી આ સ્થળે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો ધાર્મિક વિધિ કરતા હતા. સપ્ટેમ્બર ૧૯૯૦માં અડવાણીએ રથયાત્રા કાઢી હતી. અયોધ્યા સંઘર્ષ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે ભાજપ અને અન્ય સંસ્થાઓના લોકોએ આ સ્થળ પર મંદિરના નિર્માણ માટે પ્રતિક ધાર્મિક વિધિ કરી હતી. આ સમારોહમાં ૧૫૦૦૦૦ કોર સેવાક સામેલ થયા હતા. અને એ જ દિવસે મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. બાબરી મસ્જિદની વરસી પહેલા તેના સમગ્ર ઉત્તરપ્રદેશમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી વરસી શાંતિપૂર્ણ પસાર થતા તંત્રએ રાહત અનુભવી હતી. બાબરી મસ્જિદના ધ્વંસની આજે વરસાન દિવસે અયોધ્યા અને અન્ય તમામ વિસ્તારોમાં મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પગલા લેવામાં આવ્યા હતા. બાબરી મસ્જિદનો મામલો રાજકીય રીતે પણ સંવેદનશીલ રહ્યો છે. ગઇકાલે જ સુપ્રીમ કોર્ટમાં આ મામલે તર્કદાર દલીલો કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં  ગઇકાલે  સુનાવણીને લઇને પહેલાથી જ કોર્ટ સંકુલની આસપાસ મજબૂત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં સુન્ની વક્ફ બોર્ડના વકીલ કપિલ સિબ્બલે દલીલ કરતા કહ્યું હતું કે, કોર્ટની બહાર કાયદો અને વ્યવસ્થાની બાબત જાળવવાની જટિલ સ્થિતિ હોય છે. કપિલ સિબ્બલે કહ્યું હતું કે, એક વખતે તમામ દલીલો પૂર્ણ થઇ ગયા બાદ જ સમગ્ર મામલાને ૧૫મી જુલાઈ ૨૦૧૯ના દિવસે સાંભળવામાં આવે. કપિલ સિબ્બલની દલીલોને લઇને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. અયોધ્યા મામલા સાથે જોડાયેલા નવ હજાર પાનાના દસ્તાવેજ અને ૯૦૦૦૦ પાનામાં સાક્ષીઓના નિવેદનો ફારસી, સંસ્કૃત, ઉર્દૂ અને અન્ય જુદી જુદી ભાષામાં છે જેના પર સુન્ની વક્ફ બોર્ડ દ્વારા દસ્તાવેજોના અનુવાદની માંગ કરી હતી. અયોધ્યાની વિવાદાસ્પદ જમીન પર રામલલ્લા વિરાજમાન અને હિન્દુ મહાસભા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમે નવમી મે ૨૦૧૧ના દિવસે આ મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર મનાઈ હુકમ મુકીને મામલાની સુનાવણી કરવાની વાત કરી હતી. આજે વરસીને લઇને પુરતી સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.

(3:58 pm IST)