Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

અયોધ્યાઃ પાછલા ૨૫ વર્ષથી રામલલાની સેવા કરે છે આ પૂજારી

સંસ્કૃતના છે વિદ્વાનઃ રોજ બદલવામાં આવે છે વસ્ત્રો

અયોધ્યા તા. ૬ : સત્યેન્દ્ર દાસ અયોધ્યાના સૌથી ખાસ પૂજારી છે. રામ જન્મભૂમિ પર ભગવાન રામનો જે સ્થળે જન્મ થયો હતો તે 'ગર્ભ ગૃહ'માં જવાની પરમિશન માત્ર સત્યેન્દ્ર દાસને જ છે. ૧ માર્ચ, ૧૯૯૨થી સત્યેન્દ્ર દાસ એકમાત્ર પૂજારી છે, જે રામલલાની મૂર્તિને સ્નાન કરાવે છે, ભોજન કરાવે છે અને અન્ય સેવા કરે છે.

૮૦ વર્ષીય સત્યેન્દ્ર દાસ કહે છે કે, પાછલા ૨૫ વર્ષથી મને અને મારા આસિસ્ટન્ટ પૂજારીઓને રામલલાની સેવા કરવાનો અસવર મળે છે અને અમે અત્યંત ભાગ્યશાળી છીએ. ગર્ભ ગૃહમાં જવાની પરમિશન દેશના વડાપ્રધાનને પણ નથી, પણ મને ત્યાં જવાની તક મળે છે. ભગવાનના આશિર્વાદ છે કે મને આ તક મળી છે. મને દુનિયાની અન્ય વસ્તુઓનો કોઈ મોહ નથી, હું મને મળેલી આ તકથી સંતોષ છુ.

સત્યેન્દ્ર દાસ સંસ્કૃતના પણ વિદ્વાન છે અને અયોધ્યામાં જ એક સામાન્ય મકાનમાં રહે છે. ઉલ્લેખનીય છે કે દરરોજ ૧૦૦૦૦થી વધારે લોકો રામ જન્મભૂમિની મુલાકાત લે છે. સત્યેન્દ્ર દાસની નિમણુક સરકાર દ્વારા કરવામાં આવી છે અને તેમને મહિનામાં ૮૪૮૦ રુપિયા વેતન મળે છે. અયોધ્યામાં જયારે મંદિર-મસ્જિદને કારણે રમખાણો થયા હતા ત્યારે તેમનું વેતન ૧૫૦ રુપિયા હતુ.

સત્યેન્દ્ર દાસ જણાવે છે કે, હું ૧૯૫૮માં શિક્ષા મેળવવા માટે સંત કબિર નગરથી અયોધ્યા આવ્યો હતો. મેં સંસ્કૃત વ્યાકરણ, વેદાંત અને પછી આચાર્યનો અભ્યાસ કર્યો. અત્યારે મારી પાસે મિલકતના નામે બે જ વસ્તુ છે- મારી શિક્ષા અને મંદિરની સેવા. રામલલાની સેવા બાબતે પૂજારીજી ઘણાં સ્ટ્રીકટ છે. દરરોજ સવારે અચૂકપણે ૫ વાગ્યે દરવાજા ખુલી જ જવા જોઈએ અને દેવ આરતી થઈ જવી જોઈએ. ભગવાન રામના વસ્ત્રો પણ વેદ પ્રમાણે રોજ બદલવામાં આવે છે. રવિવારના રોજ લાલ, શનિવારના રોજ બ્લુ, શુક્રવારના રોજ ક્રીમ, વગેરે. આ સિવાય ૧૬ પ્રકારની પૂજા પણ કરવામાં આવે છે. સાંજે ૭ વાગ્યે મંદિર બધ થઈ જાય છે.

(5:43 pm IST)