Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ભાજપ માટે સારા સમાચારઃ ૧૦ પાટીદાર સંસ્થાઓ હાર્દિકથી અલગ

કોંગ્રેસે હાર્દિકને આપેલુ અનામતનું વચન કોઇપણ સંજોગોમાં અમલી બની શકે તેમ નથીઃ હાર્દિકનું આંદોલન હવે સામાજીક નથી રહ્યુઃ રાજકીય અને અંગત બની ગયુ હોવાનો આરોપ

અમદાવાદ તા.૬ : પાટીદાર સમાજની ૧૦ મોટી ધાર્મિક સંસ્થાઓએ ગઇકાલે ફરી એક વખત એક મંચ ઉપર એકઠા થયા હતા. કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં પાટીદારોને અનામત આપવાના વચનને છેતરામણુ ગણાવતા આ નેતાઓએ કહ્યુ છે કે જે બાબત શકય નથી તેને વાયદા તરીકે શા માટે આપવામાં આવી રહ્યો છે.

વિશ્વ ઉમિયા સંસ્થાના આર.પી.પટેલે કહ્યુ છે કે જે મુસદે હાર્દિકને કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યો હતો તે અંગે કાનૂની સલાહ લેવામાં આવી રહી છે. હરીશ સાલ્વેએ સ્પષ્ટ કહી દીધુ છે કે બંધારણીય રીતે અનામત શકય નથી તો પછી શા માટે હાર્દિક કોંગ્રેસનું રાજકીય હથિયાર બની રહ્યો છે. આર.પી.પટેલે એમ પણ કહ્યુ હતુ કે, જે યુવાવર્ગ હાર્દિકની વાતમાં આવીને ભટકી ચુકયો છે તેને ફરીથી સમાજની વિચારધારા તરફ લાવવાનો પ્રયાસ ચાલુ છે.

આ સંસ્થાએ હાર્દિકને એવુ કહી દુર હડસેલી દીધો હતો કે તેનુ આંદોલન હવે સામાજીક ન રહેતા રાજકીય અને અંગત બની ગયુ છે એટલુ જ નહી વાત-વાતમાં તેઓએ એવુ પણ કહી દીધુ હતુ કે, થોડા સમય માટે ભાજપ પ્રત્યે નારાજગી જરૂર હતુ પરંતુ હવે બધુ ઠીક છે. હવે એ સ્પષ્ટ છે કે સમાજનો એક વર્ગ ભાજપ સાથે ઉભો છે.

પાટીદારોમાં બે કોમ્યુનીટી છે લેઉઆ અને કડવા. આ સિવાય કચ્છી પટેલ, કાછીયા પટેલ અને કોળી પટેલ પણ છે. કડવા અને લેઉઆ પરસ્પરમાં વૈવાહિક સંબંધ નથી રાખતા અને તેઓની લોકલ લીડરશીપ પણ અલગ-અલગ હોય છે.

કડવા પટેલના બહુમતીવાળા વિસ્તારોઃ રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, કચ્છ, મહેસાણા, પાટણ અને પાલનપુર.

લેઉઆ પટેલના બહુમતીવાળા વિસ્તારોઃ સુરત, આણંદ, ગોંડલ, જેતપુર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો.

(11:31 am IST)