Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

દિલ્હી રમખાણ મામલે JNUના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ વિરુદ્ધ UAPA હેઠળ કેસ ચલાવવા ગૃહ મંત્રાલયની મંજૂરી

ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ વિરુદ્ધ UAPA હેઠળ ચાર્જશીટ દાખલ કરાશે

નવી દિલ્હી : દિલ્હી રમખાણ મામલે JNUના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ અને અન્ય વિરુદ્ધ UAPA હેઠળ કેસ ચલાવવા માટે દિલ્હી સરકાર અને ગૃહ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. ઉમર ખાલિદને દિલ્હી પોલીસે રમખાણના કેસમાં UAPA હેઠળ ધરપકડ કરી હતી. કાયદા મુજબ UAPA હેઠળ કોઇ વ્યક્તિ પર કેસ ચલાવવા માટે ગૃહ મંત્રાલય પાસેથી મંજૂરી લેવી જરૂરી છે.

દિલ્હી પોલીસને અંદાજે એક સપ્તાહ પહેલા મંજૂરી મળી હતી. ટૂંક સમયમાં દિલ્હી રમખાણ કેસમાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ વિરુદ્ધ UAPA હેઠળ દિલ્હી પોલીસ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવા જઇ રહી છે. તે સિવાય ક્રાઇમ બ્રાન્ચ પણ ઉમર ખાલિદ વિરુદ્ધ ચાર્જશીટ ટૂંક સમયમાં દાખલ કરશે

દિલ્હી પોલીસે 14 તારીખે દિલ્હી રમખાણ સંબંધિત કેસમાં ઉમર ખાલિદની ધરપકડ કરી હતી. કડકડડૂમા કોર્ટે ઉમર ખાલિદની ન્યાયિક અટકાયત 20 નવેમ્બર સુધી વધારી દીધી છે. દિલ્હી પોલીસ તરફથી તેની ન્યાયિક અટકાયત વધુ 30 દિવસ સુધી વધારવાની અરજી થઇ હતી.

ઉમર ખાલિદના વકીલે દિલ્હી પોલીસની અરજીનો વિરોધ કરતા જણાવ્યું કે પોલીસની તપાસમાં તેણે બધી રીતે સાથ આપ્યો છે. તેથી ઉમર ખાલિદ તપાસમાં સાથ આપી રહ્યો નથી, એ આરોપ લગાવી ન્યાયિક અટકાયત વધારવામાં આવે તે ખોટું છે.

દિલ્હી પોલીસે કડકડડૂમા કોર્ટમાં જણાવ્યું હતુ કે હાલ આ કેસમાં તપાસ ચાલુ છે અને આ સ્ટેજ પર ઉમર ખાલિદને જામીન આપવી યોગ્ય નથી. તે પછી કોર્ટે ઉમર ખાલિદની ન્યાયિક અટકાયત 20 નવેમ્બર સુધી વધારી હતી. હાલ ઉમર ખાલિક ન્યાયિક અટકાયતમાં જ છે.

(7:49 pm IST)