Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

કારની ટક્કરથી યુવક ૧૦૦ ફૂટ ઉછળી ધાબે જઈ પટકાયો

યુવકનું સ્થળ પર જ મોત નિપજ્યું : યુવક પોલીસ ભરતીની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો, પરીક્ષા આપે તે પહેલાં કાર ચાલક યુવતીએ અડફેટે લીધો

જયપુર,તા.૬ : કોરોના વાયરસના કારણે લોકડાઉનના સમયમાં અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ જેમ-જેમ લોકડાઉન બાદ છૂટછાટ મળતી ગઈ તેમ ફરી અકસ્માતની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. વાહન ચાલકની નજીવી ભૂલના પગલે અક્સમાતમાં લોકોના કમોતે મોત થતા હોય છે. આજે રાજસ્થાનથી એક એવી અકસ્માતની ઘટના સામે આવી છે. જે પૂવાંટા ઉભા કરી દે તેવી છે. આ ઘટનામાં કારની ટક્કરે યુવક ૧૦૦ ફૂટ હવામાં ઉછળી પટકાતા મોત થયું છે. રાજધાની જયપુરમાં ફરી એક વખત હાઈ સ્પીડ કાર ચાલકના કારણે ગમખ્વાર અકસ્માત થયો છે. અહીં સોડાલા વિસ્તારમાં એક ઓડી કાર ચાલકે યુવકને એટલી ફૂલ સ્પીડમાં ટક્કર મારી હતી કે તે હવામાં ૧૦૦ ફૂટ સુધી ઉછલ્યો હતો. આ યુવાન એલિવેટેડ રોડ પરથી ઉછળી નજીકના મકાનની છત પર જઈ પટકાયો હતો. આ અકસ્માતમાં યુવકનો પગ કપાઈ ગયો અને અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

             આ યુવક પાલી જિલ્લાનો રહેવાસી હતો અને તે અહીં રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપવા આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના સવારે સોડલા વિસ્તારમાં એલિવેટેડ રોડ પર બની હતી. અહીં એક યુવતી ફૂલ સ્પીડે ઓડી કાર ચલાવી રહી હતી. તેની સાથે અન્ય એક બીજી છોકરી પણ કારમાં હતી. આ દરમિયાન ડ્રાઇવર યુવતીએ કાર પર સંતુલન ગુમાવ્યું હતું અને તેણે યુવકને રસ્તામાં ચપેટમાં લઈ લીધો. કારે યુવકને એટલી ફૂલ સ્પીડે ટક્કર મારી કે, યુવક હવામાં ૧૦૦ ફૂટ જેટલા ઉછળ્યો હતો અને બાદમાં એલિવેટેડ રોડની દિવાલ નજીકના મકાનની છત પર જઈ પડ્યો હતો. અકસ્માતમાં યુવકનો એક પગ કપાઈ ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

               કારની એરબેગ ખુલી જતા યુવતીઓ બચી ગઈ અને ત્યાંથી નીકળી ગઈઅકસ્માત પછી, કાર પણ એલિવેટેડ રોડની દિવાલની સામે ઘસડાઈ હતી અને કારની એક બાજુનો ભુક્કો નીકળી ગયો હતો. અકસ્માત દરમિયાન કારની એરબેગ્સ ખુલી ગઈ હતી, જેના કારણે યુવતીઓને કોઈ નુકસાન થયું ન હતું. અકસ્માત બાદ સ્થળ પર એકઠા થયેલા લોકોએ કારમાં સવાર મહિલાઓને પકડી પાડ્યા હતા. બાતમી મળતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, અકસ્માતનો ભોગ બનનાર યુવક પાલી જિલ્લાનો રહેવાસી હતો. તેની ઓળખ માદારામ તરીકે થઈ છે. અને તે પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં ભાગ લેવા માટે જયપુર આવ્યો હતો.

(7:04 pm IST)