Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

હવે કેન્‍દ્રીય તપાસ એજન્‍સીને ઝારખંડમાં કોઇપણ તપાસ કરવા જતા પહેલા રાજ્‍ય સરકારની મંજૂરી લેવી પડશે

રાંચી: પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને હવે કેરળના માર્ગે ચાલતા ઝારખંડ સરકારે પણ CBIને આપેલી સામાન્ય સહમતિ પરત લઈ લીધી છે. આથી હવે કેન્દ્રીય તપાસ એજન્સીને ઝારખંડમાં કોઈ પણ કેસની તપાસ કરવા જતાં પહેલા રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. ગુરુવારે સાંજે ઝારખંડની હેમંત સોરેન સરકારે આ નિર્ણય અંગે આદેશ જાહેર કર્યો છે.

હાલના સમયમાં દેશના પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન અને કેરળની રાજ્ય સરકારોએ આ પ્રકારના નિર્ણય લેતા CBIને આપેલી સામાન્ય સહમતિને પરત લઈ લીધી છે. આ તમામ રાજ્યોમાં ભાજપ કે તેના સહયોગી ગઠબંધનની સરકાર નથી. ઝારખંડમાં ઝારખંડ મુક્તિમોર્ચા (JMM)ના અધ્યક્ષ હેમંત સોરેનની આગેવાનીમાં કોંગ્રેસ અને RJD ગઠબંધનની સરકાર છે.

ઝારખંડ CM સોરેનના આ આદેશનો અર્થ એ થયો કે, હવે કોઈ પણ કેસની તપાસ માટે CBIને રાજ્યના મુખ્યમંત્રીની મંજૂરી લેવાની રહેશે અથવા CBI હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જ તપાસ કરી શકશે.

શું હોય છે CBIને આપવામાં આવેલ સામાન્ય સહમતિ અને તેને પરત લેવાથી શું થશે અસર?

જણાવી દઈએ કે, CBI DSPE એક્ટ અંતર્ગત આવે છે. આ એક્ટ તેને કોઈ પણ રાજ્યમાં તપાસ  કરવા માટે રાજ્ય સરકારની સહમતિ મેળવવી આવશ્યક બનાવે છે.

જેમાં સ્પેસિફિક અને જનરલ (સામાન્ય) એમ બે પ્રકારની સહમતિ હોય છે. આમ પણ CBIનો અધિકાર ક્ષેત્ર કેન્દ્ર સરકારના વિભાગો અને કર્મચારીઓ પર છે, પરંતુ રાજ્ય સરકાર સાથે સંકળાયેલા કોઈ કેસની તપાસ કરવા માટે તેને રાજ્ય સરકારની મંજૂરી લેવાની જરૂરત હોય છે. જે બાદ જ તે રાજ્યમાં કોઈ કેસની તપાસ કરી શકે છે.

આનો સીધો અર્થ એ થયો કે, CBI કેસ સ્પેસિફિક સહમતિ મળ્યા વિના આ રાજ્યોમાં કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ કોઈ નવો કેસ દાખલ નહીં કરી શકે. સામાન્ય સહમતિ પરત લેવાનો અર્થ છે કે, રાજ્ય સરકારની મંજૂરી વિના આ રાજ્યોમાં પ્રવેશ કરતાં કોઈ પણ CBI ઓફિસર કે પોલીસ કર્મચારી તરીકે મળેલા તમામ અધિકારો સમાપ્ત થઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં આંધ્ર પ્રદેશમાં તત્કાલીન ચંદ્રબાબૂ નાયડૂની સરકાર NDA ગઠબંધનની બહાર થઈ ગઈ હતી. એ વર્ષે રાજ્યમાં CBIની તપાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આવી જ રીતે પાછળથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આવો જ આદેશ આપ્યો હતો. છત્તીસગઢની કોંગ્રેસ સરકારે 2019માં CBIને રાજ્યમાં તપાસ માટે આપવામાં આવેલ જનરલ કન્સેટ પરત લઈ લીધો છે. રાજસ્થાનમાં સચિન પાયલટના બળવા બાદ રાજ્યની અશોક ગહલોત સરકારે ફણ CBI થી જનરલ કન્સેન્ટ પરત લઈ ચૂકી છે.

(5:00 pm IST)