Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

બિડેન રાષ્ટ્રપતિ બનવા ભણી : સુરક્ષા વધારાઇ

જ્યોર્જિયા અને પેસિલ્વેનિયામાં બિડેન ટ્રમ્પની લગોલગ પહોંચી ગયા : ટ્રમ્પ ઉત્તર કેરોલિનામાં આગળ તો નેવાદા અને એરિઝોનામાં બિડેન સરસાઇ ધરાવે છે

વોશિંગ્ટન તા. ૬ : અમેરિકામાં મતદાનના બે દિવસ બાદ પણ રાષ્ટ્રપતિ પદની તસ્વીર સ્પષ્ટ થઇ શકી નથી. મતગણના વચ્ચે ડેમોક્રેટ ઉમેદવાર જો બિડને ૨૬૪ નિર્વાચક મતોની સાથે નિર્ણાયક બહુમતી મળવાના સ્પષ્ટ નિર્દેશો મળી રહ્યા છે. બીજી બાજુ હાલના રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ૨૧૪ મતોની સાથે વ્હાઇટ હાઉસની દોડમાં પાછળ રહી ગયા છે. ટ્રમ્પ કાયદાકીય લડાઇના નિર્ણય પર આગળ વધી ગયા છે. બીજી બાજુ તેના સમર્થક છેતરપિંડીનો આરોપ લગાવીને અનેક રાજ્યમાં મતગણતરી કેન્દ્રોની બહાર એકત્રિત થયા છે. સમર્થકોએ અનેક સ્થળોએ ધમાલ અને દેખાવો કર્યા છે. બીજીબાજુ ડોનાલ્ડ ટ્રમ્પ ઉતરી કેરોલિનામાં આગળ ચાલી રહ્યા છે. જ્યારે નેવાદા અને એરિજોનામાં બિડેન બહુમત પ્રાપ્ત કર્યું છે.

અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ ચુંટણીમાં અંદાજે ૧૬ કરોડ લોકોએ તેમના મતાધિકારોનો ઉપયોગ કર્યો જે એક રેકોર્ડ છે. ચુંટણી પર નજર રાખતી સાઇટ 'યુએસ ઇલેકશન પ્રોજેકટ'ના પ્રારંભિક અંદાજ મુજબ આ વર્ષે ૨૩ કરોડ ૯૦ લાખ લોકો મતદાન કરવા માટે યોગ્ય હતા.

અમેરિકામાં કેટલાક રાજ્યોમાં મતગણતરી શરૂ થયા બાદ ડેમોક્રેટીક પક્ષના નેતા જે બિડેન રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવાની નજીક છે. બીજી બાજુ રિપબ્લિકન પક્ષે તેના પ્રતિદ્વંદ્વી ડોનાલ્ડ ટ્રમ્પના ફરી ચુંટાવાના અણસાર ઓછા છે. આ પરિસ્થિતિને જોતા જો બિડેનની સુરક્ષામાં વધારો કરાયો છે.

પેસિલ્વેનિયા, જોર્જિયા, ઉત્તરી કેરોલિના, એરિઝોના, નેવાદાથી ચૂંટણીની તસ્વીર સ્પષ્ટ દેખાતી નજરે ચડી છે. ટ્રમ્પ ઉત્તરી કેરોલિનામાં લીડ કરી રહ્યા છે પરંતુ જોર્જિયામાં પાછળ છે. બીજી બાજુ નેવાદા અને એરિજોનામાં બિડેને બહુમતી મેળવી છે.

(3:11 pm IST)