Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

રિસર્ચમાં દાવો

ગંદકીમાં રહેનારાના કોરોનાથી ઓછા મોત થયા

નવી દિલ્હી તા. ૬ : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ભલે ઓછું થઈ ગયું હોય પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. કોરોના વાયરસ પર શોધ કરતા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જે રાજયમાં સાફ-સફાઈ ખરાબ છે અને જયાં પાણીની ગુણવત્તા પણ સારી નથી ત્યાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે અસરકારક રહ્યું નથી. એવા રાજયોમાં કોરોનાથી મોતનો આંકડો વિકસિત રાજયની સરખામણીમાં ખૂબ ઓછો છે.

સેન્ટર ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનમાં ચોંકાવનારો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોના મતે મિડલ ઇનકમવાળા દેશમાં પેરાસાઇટ અને બેકટેરિયાથી ફેલાતી બીમારી હંમેશા રહી જ છે. આથી અહીંના લોકોમાં બેકટેરિયાથી લડવા માટે પહેલાથી જ ઇમ્યૂન સિસ્ટમ તૈયાર હોય છે. શરીરમાં થતાં આ બદલાવને હાયપોથિસિસ કહે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે દેશો પહેલાથી જ આવી સમસ્યા સામે લડી રહ્યા છે ત્યાં કોરોનાના કેસ શરૂઆતથી જ ખૂબ ઓછા છે.વૈજ્ઞાનિકોએ કહ્યુ કે આ આખા કેસને ફેટાલિટી રેશિયો (CFR)થી સમજી શકાય છે. CFRનો મતલબ થાય છે કે કોઈ પણ મહામરીથી થતાં મોતનું પ્રમાણ. ભારતની વાત કરવામાં આવે તો અહીં બિહાર ખૂબ પછાત જોવા મળી રહ્યું છે. અહીં સાફ-સફાઈ પર ખૂબ ઓછું ધ્યાન આપવામાં આવે છે. આજ કારણ છે કે અહીંના લોકોમાં ઇમ્યૂન સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે, જે કોઈ પણ સંક્રમણ સામે લડવા માટે સક્ષમ છે. આજ કારણ છે કે બિહારમાં કોરોનાને કારણે સરેરાશ મૃત્યુદર ૦.૫ ટકા છે.

(2:52 pm IST)