Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

દિલ્હીવાસી રોજ શ્વાસમાં લ્યે છે ૩૦ સિગારેટ જેટલો ધૂમાડો

દિલ્હીમાં પ્રદુષણનું સ્તર ખતરનાક બન્યું: હેલ્થ એલર્ટ જાહેરઃ લોકોને ઘરની બહાર નહિ નિકળવા તાકીદઃ બારી-દરવાજા બંધ રાખવા પણ સલાહઃ પાટનગરના લોકો ઉપર કોરોના અને પ્રદુષણનો બેવડો મારઃ વડીલો અને બાળકોના સ્વાસ્થ્ય ઉપર ખતરોઃ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવી પડે તેવી સ્થિતિ

નવી દિલ્હી, તા., ૬: દિલ્હીમાં પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. દિલ્હીના લોકો રોજ શ્વાસની સાથે ૩૦ જેટલી સિગારેટનો ધુમાડો શરીરની અંદર ઘુસાડી રહયા છે. તંત્ર દ્વારા હેલ્થ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે અને લોકોને જરૂરી હોય તો જ ઘરની બહાર નિકળવા તાકીદ કરવામાં આવી છે એટલું જ નહી ઘરના દરવાજા અને બારી પણ બંધ રાખવા જણાવાયું છે. સાથોસાથ વિવિધ હોસ્પીટલોના ડોકટરોને પણ એલર્ટ રહેવા જણાવાયું છે.

દિલ્હીના લોકો માટે પ્રદુષણ હવે જીવલેણ સાબીત થઇ રહયું છે. પ્રદુષણને કારણે ફરી એક વાર લોકો સુકી ખાંસીની ફરીયાદો કરવા લાગ્યા છે. ડોકટરોના જણાવ્યા પ્રમાણે પ્રદુષણ એટલી હદે થઇ ગયું છે કે અમે એવું કહી શકીએ કે દિલ્હીના લોકો રોજ ૩૦ સિગારેટ જેટલો ધુમાડો સિગારેટ પીધા વગર પોતાના શરીરમાં ખેંચી રહયા છે.

હોસ્પીટલના ડોકટર સંજીવ નાયરે જણાવ્યું છે કે દિલ્હી અત્યારે ગેસ ચેમ્બરમાં તબદીલ થઇ ગયું છે. જેને કારણે દર્ર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ખાંસીની ફરીયાદો વધી છે. લોકોને ગળામાં દુઃખાવો, સોજો, આંખોમાંથી પાણી નિકળવા અને શ્વાસની તકલીફ થવા લાગી છે. એવામાં કોરોના અને પ્રદુષણ એક સાથે હુમલો કરી રહયા છે. લોકોને ઘરમાં રહેવા જણાવાયુ઼ છે.

દિલ્હીના અનેક સ્થળે એર કવોલીટી ઇન્ડેક્ષ ગંભીર શ્રેણીમાં પહોંચી ચુકયો છે. આનંદ વિહાર વિસ્તારમાં તે ૪રર સુધી પહોંચી ગયો છે. જે બાળકો અને વડીલો માટે ગંભીર છે. તેઓનું સ્વાસ્થ્ય બગડવાનો ખતરો ઉભો થયો છે.

લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ જરૂર હોય તો જ ઘરની બહાર નિકળે. ઘરના તમામ બારી-દરવાજા બંધ રાખે અને સવાર-સાંજ ફરવાનું બંધ કરી દયે. એઇમ્સના ડોકટર કહે છે કે પ્રદુષણની સ્થિતિ સ્વાસ્થ્ય કટોકટીની હાલત ઉભી કરે તેવી થઇ ગઇ છે.

(11:16 am IST)