Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

હાઇપરલૂપ સેવાથી મુંબઇથી પૂણે ૨૫ મિનિટમાં પહોંચી જવાશે

હાલ ૩ થી ૩ાા કલાક જેટલો સમગ લાગે છે

મુંબઈ તા.  ૬ : લોકોના ધસારાને પહોંચી વળવા જાહેર પરિવહન યોજના તરીકે એક નવી ટેકનોલોજી ભારત પહેલી જ વાર અપનાવી રહ્યું છે. આ છે, હાઈપરલૂપ. મહારાષ્ટ્ર સરકારના શહેરી વિકાસ વિભાગે  મુંબઈ અને પુણે વચ્ચે હાઈપરલૂપ પ્રોજેકટ શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે.

હાઈપરલૂપ ટ્રાન્સપોર્ટ સેવા શરૂ થવાથી મુંબઈથી પુણે શહેરમાં માત્ર ૨૫ મિનિટમાં જ પહોંચી જવાશે જયાં પહોંચતા હાલ ત્રણથી સાડા ત્રણ કલાક લાગે છે.

આ પ્રોજેકટ માટે ઓરિજિનલ બિડ વર્જિન હાઈપરલૂપ વન કંપનીએ રજૂ કર્યું છે. હવે મહારાષ્ટ્ર સરકાર આ બિડને પડકારવા માટે જાગતિક કંપનીઓને આમંત્રણ આપશે. વર્જિન હાઈપરલૂપ ૨૦૧૯માં ૧૫ કિ.મી. લાંબો ટેસ્ટ રૂટ બાંધવાની યોજના ધરાવે છે.

વર્જિન ગ્રુપની વર્જિન હાઈપરલૂપ વન (વીએચઓ) કંપનીના ચેરમેન રિચર્ડ બ્રેન્સન ગયા ફેબ્રુઆરીમાં મેગ્નેટિક મહારાષ્ટ્ર શિખર સંમેલન માટે મુંબઈ આવ્યા હતા. ત્યારે એમણે જણાવ્યું હતું કે હાઈપરલૂપ સિસ્ટમ માટેનો રૂટ મુંબઈથી સૂચિત નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માર્ગે થઈને પુણે સુધીનો રહેશે. આ સિસ્ટમ માટેનું ભાડું કેટલું હશે એ કહેવું હાલ વહેલું ગણાશે, પરંતુ એ લગભગ વિમાન ભાડા જેટલું હશે.

બ્રેન્સનનું કહેવું છે કે, હાઈપરલૂપ સેવાથી અકસ્માતોની સંખ્યા ઘટી જાય છે. અમારા એન્જિનિયર્સની ટીમ્સ આ રૂટ માટેનો અભ્યાસ કરી રહી છે.

ટેસ્ટ ટ્રેકનું બાંધકામ ૨૦૧૯ના આરંભમાં શરૂ કરી શકાશે અને ૨૦૨૧ના અંત સુધીમાં પૂરું થઈ જશે. જો પરીક્ષણો સફળ રહેશે તો ચાર વર્ષમાં સમગ્ર મુંબઈ-નવી મુંબઈ-પુણે ટ્રેક બાંધી શકાશે.

શું છે હાઈપરલૂપ?

- હાઈપરલૂપ એ હાઈ-સ્પીડ ટ્રાવેલ સિસ્ટમ છે, જે આપણી પ્રવાસની પદ્ઘતિમાં ક્રાંતિ લાવી શકે છે.

- હાઈપરલૂપ ટ્રેન ભારતમાં પહેલી જ વાર ચલાવવામાં આવશે. આ દુનિયાની પહેલી જ હાઈપરલૂપ ટ્રેન હશે.

- હાઈપરલૂપ ટ્રેન બનાવવાની ટેકનોલોજી અલગ પ્રકારની હોય છે. એ બનાવવા માટે ચુંબકીય શકિતનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર બેસાડવામાં આવેલા થાંભલાઓની ઉપર એલિવેટેડ પારદર્શક ટ્યૂબ હોય છે જે દેખાતી નથી.

- હાઈપરલૂપ ટ્રેનનું નિર્માણ એકદમ બુલેટ ટ્રેન જેવું હોય છે. આવી ટ્રેન હવામાં જાણે તરતી હોય એવી દેખાય છે.

- હાઈપરલૂપ ટ્રેનની ક્ષમતા ૧૦૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ક્ષમતા રહેલી છે, પરંતુ સૂચિત મુંબઈ-પુણે રૂટ ઉપર માટે તો માત્ર ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હશે. એ સ્પીડ ભવિષ્યમાં ૬૦૦-૧૦૦૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારી શકાશે.

- વર્જિન ગ્રુપે મુંબઈ-પુણે વચ્ચે હાઈપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ બાંધવા માટે મહારાષ્ટ્ર સરકાર સાથે કરાર પર સહીસિક્કા કરી લીધા છે.

- આ લૂપ સેવા દર વર્ષે ૧૫ કરોડ જેટલા પ્રવાસીઓને અવરજવર કરાવશે.

- પ્રથમ હાઈપરલૂપ રૂટ મધ્ય પુણે અને મુંબઈને જોડશે. વચ્ચે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ કનેકટ કરશે.

(11:25 am IST)