Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

મજૂરી કરીને પણ પતિએ પત્‍ની અને સગીર બાળકોને ભરણપોષણ આપવું જોઇએ

સુપ્રીમ કોર્ટનો દાખલો બેસાડતો ચુકાદો : કોર્ટે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચુકાદાને ફેરવી નાખતા પતિને પોતાની પૂર્વ પત્‍ની અને સગીર બાળકોને ભરણપોષણ આપવાનો નિર્દેશ આપ્‍યો હતો : સુપ્રીમ કોર્ટે કહ્યું કે શારીરીક રીતે સક્ષમ શખ્‍સને મજૂરી કરીને પણ તેના માટે પૈસા કમાવા જોઇએ

નવી દિલ્‍હી,તા. ૬: સુપ્રીમ કોર્ટે ભરણપોષણને લઈને મહત્‍વનો અને દાખલો બેસાડતો ચુકાદો આપ્‍યો છે. કોર્ટે કહ્યું કે, જો પતિ શારીરિક રીતે સક્ષમ છે અને તે અલગ રહેતી પત્‍ની તથા સગીરવયના બાળકોના ભરણપોષણ માટે મજૂરી કરીને પણ પૈસા કમાવા પડશે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામા કહ્યું કે CRPCની કલમ ૧૨૫ અંતર્ગત ભરણ પોષણની જોગવાઈ સામાજિક ન્‍યાય માટે છે. જેમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોના સંરક્ષણ માટે કાયદાનું રૂપ આપવામાં આવ્‍યું છે. ત્‍યારે આવા સમયે પતિ પોતાના દાયિત્‍વથી મોં ફેરવી શકે નહીં.

સુપ્રીમ કોર્ટે પતિની તે દલીલને ફગાવી દીધી, જેમાં કહેવાયું હતું કે, ધંધો બંધ હોવાના કારણે તેની પાસે આવકનો કોઈ સ્ત્રોત રહ્યો નથી. તેથી તે અલગ રહેતી પત્‍ની અને સગીર બાળકો માટે ભરણ પોષણ આપી શકશે નહીં. જસ્‍ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્‍ટિસ બેલા એમ ત્રિવેદીની પીઠે કહ્યું કે, પ્રતિવાદી શારીરિક રીતે સક્ષમ છે. ત્‍યારે આવા સમયે યોગ્‍ય રીતે પૈસા કમાઈ અને પત્‍ની તથા બાળકોના ભરણ પોષણનું દાયિત્‍વ નિભાવવુ પડશે. પીઠે કહ્યું કે, ફેમિલી કોર્ટ સમક્ષ પત્‍ની તરફથી આપવામાં આવેલા પુરાવા અને રેકોર્ડમાં રહેલા પુરાવાને જોતા કોર્ટે એ વાતનો સ્‍વિકાર કર્યો હતો કે, પ્રતિવાદી પાસે આવકના પુરતાસ્ત્રોત હતા.તેમ છતાં પણ તે પોતાની પત્‍નીને ભરણ પોષણ આપવામાં આનાકાની કરતો હતો.

(10:41 am IST)