Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

હવે મને પ્રભુ કહેનારૂ કોઇ રહ્યુ નથી, અરવિંદ ત્રિવેદીના નિધનથી રંગમંચના એક યુગનો અંત આવ્‍યો છે, મેકઅપ દરમિયાન તેઓ શિવ તાંડવસ્ત્રોત બોલતા રહેતાઃ અરૂણ ગોવિલ અને દિપિકા ચિખલીયાએ શોક વ્‍યક્‍ત કર્યો

‘રામાયણ' સિરીયલના સાથી પાત્રો રામ અને સીતાએ સંસ્‍મરણો વાગોળ્‍યા

મુંબઇ: એક સમય એવો હતો કે, ચાર પાત્રો લોકોના ઘરમાં જ રહેતા હોય તેમ તેમના દિલદિમાગ પર છવાયેલા હતા. રામ-સીતા-લક્ષ્મણ અને રાવણ. રામાનંદ સાગરની સીરિયલ રામાયણના ટેલિકાસ્ટથી લોકોમાં ઘરેઘરે જે ભક્તિમય માહોલ હતો, તે આજે પણ અકબંધ છે. ત્યારે આજે આ જોડી તૂટી છે. રાવણનુ પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે નિધન થયુ છે. ત્યારે રામ અને સીતાએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. આ સમાચાર જાણીને રામનુ પાત્ર ભજવનારા અરુણ ગોવિલ અને સીતાનું પાત્ર ભજવનારા દીપિકા ચીખલીયાની આંખમાંથી આસુ સરી પડ્યા હતા.

તેઓ જ્યારે પણ મને મળતા તો પ્રભુ કહીને નમસ્કાર કરતા - અરુણ ગોહિલ

અરુણ ગોવિલે અરવિંદ ત્રિવેદીના નિધન પર જણાવ્યું કે, મને હજી પણ વિશ્વાસ નથી થઈ રહ્યો. હું ઉઠ્યો તો દુખદ સમાચાર મળ્યો. થોડા દિવસો પહેલા મારી વાત થઈ હતી, તેમની તબિયત નાદુરસ્ત હતી તે મને ખબર હતી. પણ આજે આ સમાચાર મળશે તેવુ વિચાર્યુ ન હતું. હવે મને પ્રભુ કહેનારુ કોઈ નથી રહ્યું. એક મિત્ર, ઉમદા માણસ અને સારા કલાકાર હવે આપણી વચ્ચે નથી રહ્યાં. તેઓ જ્યારે મને મળતા તો પ્રભુ કહીને હાથ જોડીને નમસ્તે કરતા હતા. હું તેમને હંમેશા અરવિંદભાઈ કહેતો. આજે મારા દિવસની શરૂઆત ખરાબ થઈ. ભલે રોજ મળીએ કે ન મળીએ, પણ સાથે હોવુ મોટી વાત છે. તેમની સાથે એવી મિત્રતા બંધાઈ હતી. આવા લોકો જ્યારે આપણા જીવનમાં નથી રહેતા તો ખાલીપો સર્જાય છે.

અરવિંદ ત્રિવેદી સાથેની વાયરલ તસવીર વિશે અરુણ ગોવિલે કહ્યું કે, આજે મને અમારા બંનેની એક તસવીર યાદ આવી ગઈ. જેમાં અમે એકબીજાને હાથ મિલાવી રહ્યા હતા, અને અમે હુ રામના વેશમાં હતો, અને તેઓ રાવણના વેશમાં હતા. આ અમારી મિત્રતાનું પ્રતિક હતું.

સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલિયાએ કહ્યું કે, મને બહુ જ દુખ થયું. આ વર્ષે તેમના નિધનની અનેક અફવાઓ આવી, પણ અચાનક જ તેમના નિધનના સમાચાર આવ્યા. તેમના નિધનથી રંગમંચના યુગનો અંત આવ્યો છે. રામાયણની જે સ્ટારકાસ્ટ હતી, તે તેમના વગર અધૂરી છે. તેમની યાદ વિશે તેમણે કહ્યુ કે, તેઓ ફેમિલિયર અને રિલિજિયલ માણસ હતા. અમેરિકાની એક ટ્રીપમાં અમે સાથે હતા. મને ક્યારેય એવુ લાગ્યુ જ નહિ, કે હું એક એક્ટર સાથે વાત કરી રહુ છું. મેકઅપ દરમિયાન પણ અરવિંદભાઈ તાંડવ સ્ત્રોત બોલતા રહેતા, જેથી સેટ પર ખરા અર્થમાં ભક્તિમય માહોલ રહેતો.

(5:12 pm IST)