Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

અરે વાહ... અઠવાડિયામાં માત્ર ૩ દિવસ કામ અને ૪ દિવસ રજા

બેંગ્લોરના સ્ટાર્ટઅપની અનોખી પહેલઃ સ્લાઈસ કંપનીએ કર્મચારીઓને ૩ દિવસ કામ કરવાની છૂટ આપી : કામની સાથે પોતાના પેશનને ફોલો કરી શકે તે માટે ચાર દિવસ રજા આપશે આ કંપની

નવી દિલ્હી, તા.૬: ટેકનોલોજી ટેલેન્ટને કારણે કંપનીઓ પોતાના કર્મચારીઓને બાંધી રાખવા માટે જાતજાતની તરકીબો અપનાવી રહી છે. કંપનીઓ કર્મચારીઓને વધારે રજાઓ આપી રહી છે, મહિલા અને પુરુષ કર્મચારીઓને એકસમાન પેરેન્ટ લીવ આપી રહી છે. બેંગ્લોરના એક સ્ટાર્ટઅપ દ્વારા આ દિશામાં નવી પહેલ કરવામાં આવી છે. આ સ્ટાર્ટ અપ કર્મચારીઓને અઠવાડિયામાં ચાર દિવસ રજા આપશે અને ત્રણ દિવસ કામ કરવાનું રહેશે.

આ સ્ટાર્ટઅપનું નામ સ્લાઈસ છે. આ એક ફિનટેક કંપની છે. સ્લાઈસ નવા કર્મચારીઓને અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ કામ કરવાનું કહેશે. અહીં શરત એટલી રહેશે કે, તેમને માર્કેટ રેટના ૮૦ ટકા વળતર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૨૬માં હેનરી ફોર્ડે છ દિવસના સ્થાને પાંચ દિવસ કામ કરવાની પદ્ઘતિ અપનાવી હતી અને સાબિત થયુ હતું કે તેનાથી ઉત્પાદન ક્ષમતા પ્રભાવિત નથી થતી. ઘણી કંપનીઓ કર્મચારીઓને ચાર અથવા પાંચ દિવસ કામ પર બોલાવે છે.

કંપનીના સંસ્થાપક રાજન બજાજ જણાવે છે કે, આ એક વિન-વિન અપ્રોચ છે, જે કર્મચારીઓને તેમના અન્ય પેશન્સને પૂરા કરવા માટે સમય આપશે. લોકો આમ પણ નોકરી સાથે બંધાયેલા રહેવા નથી માંગતા. કર્મચારીઓ અઠવાડિયામાં ૩ દિવસ કામ કરીને વેતન અને તમામ અન્ય લાભો પ્રાપ્ત રી શકે છે અને બાકીનો સમય સ્ટાર્ટઅપ ડ્રીમને ફોલો કરવામાં, નોન વર્ક પેશનને સાકાર કરવામાં પસાર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે વૈશ્વિક રોકાણકારો ભારતના ટેક સ્ટાર્ટઅપમાં અબજો ડોલર રોકી રહ્યા છે, જેનાથી સંસ્થાપકો પર ટીમ તૈયાર કરવાનું પ્રેશર હોય છે. આઈટી આઉટસોર્સર્સ, સિલિકોન વેલીના દિગ્ગજો, વોલસ્ટ્રીટ બેન્કોના કેન્દ્રોમાં સેંકડો સ્ટાર્ટઅપ તેજીથી આગળ વધી રહ્યા છે. આના કારણે મોટા પ્રમાણમાં ટેલેન્ટની તંગી ઉભી થઈ છે. સ્લાઈસમાં અત્યારે ૪૫૦ કર્મચારીઓ છે અને આગામી ત્રણ વર્ષોમાં કંપની ૧૦૦૦ એન્જિનિયર્સને ભરતી કરશે.

૨૦૧૬માં સ્થાપિત સ્લાઈસ કંપની ભારતના યુવાઓને ક્રેડિટ કાર્ડ આપવામાં નિષ્ણાંત છે. ૨૦૧૯માં કંપનીએ એક મિનિટથી પણ ઓછા સમયના સાઈન-અપ, કેશબેક અને અનેક પેમેન્ટ વિકલ્પો સાથે ફિઝિકલ કાર્ડ લોન્ચ કર્યુ હતું. સ્લાઈસ દ્વારા ગત મહિનામાં ૧,૧૦,૦૦૦ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યા હતા.

(3:59 pm IST)