Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

હરિયાણાથી ગુજરાત લાવતા કરોડો રૂપિયા રાજસ્થાનના સિરોહીમાંથી ઝડપાયા :આઈટીની ટીમ પહોંચી

ઉદયપુર એટીએસ અને સુરૂપગંજ પોલીસે કારની તલાસી લેતા કરોડોની રોકડ મળી :બે યુવકોની કડક પૂછપરછ : આ રકમ ગુડગાંવથી ગુજરાતના ડીસા લઈ જઈ રહ્યા હતા

   હરિયાણાથી ગુજરાતમાં લવાતા કરોડો રૂપિયા રાજસ્થાનના સિરોહી નજીકથી ઝડપાયા છે રાજસ્થાનમાં આચાર સંહિતા લાગુ થતા પહેલા શિરોહીમાં એટીએસ ઉદયપુર યુનિટ અને સરુપગંજ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને કરોડો રૂપિયાની રકમ પકડી છે. કરોડો રૂપિયા હરિયાણાથી ગુજરાતમાં લઈ જવામાં આવી રહ્યા હતા. ટીમ હાલ રૂપિયાને ગણવામાં લાગી છે.

    એસપી જય યાદવે જણાવ્યું હતું કે સરુપગંજ હાઈવે ટોલ પ્લાસા પર શનિવારે સફેદ રંગની અર્ટિકા કારને ઉદયપુરની એટીએસ ટીમે સરુપગંજ પોલીસ સાથે મળીને અટકાવી હતી. કારમાં બે યુવકો સવાર હતા. કારની તલાશી લેતા તેમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા હતા. રૂપિયામાં કારમાં ગુપ્ત રીતે સંતાડવામાં આવ્યા હતા. કારમાં સવાર બે યુવકોની પુછપરછ કરી તો તેમણે સંતોષકારક જવાબ આપ્યો હતો. કડક પુછપરછ કરતા કહ્યું હતું કે રકમ ગુડગાંવથી ગુજરાતના ડીસા લઈ જઈ રહ્યા હતા.

   ઉદયપુરની એટીએસ યુનિટના સીઆઈ શ્યામસિંહ રત્નુના નેતૃત્વમાં કરવામાં આવેલી આ કાર્યવાહી પછી પોલીસે બંને યુવકોની ધરપકડ કરી છે. એટીએસે આ મામલે ઇન્કમટેક્ષ વિભાગને સુચના આપી હતી. ઇન્કમટેક્ષ વિભાગની ટીમ સરુપગંજ પહોંચી ગઈ હતી અને આ મામલે તપાસ કરી રહી છે. કારમાંથી મળેલ રકમ ચાર કરોડ રૂપિયાથી વધારે બતાવવામાં આવી રહી છે.
    અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે બપોરે ચૂંટણી પંચે રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ સાથે જ આ રાજ્યોમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

(9:55 pm IST)