Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

દેશ લોકોથી બને છે, જમીનના કોઇપણ પ્લોટથી નહીં : રાહુલ ગાંધી

કલમ ૩૭૦ મુદ્દે રાહુલ ગાંધીની અંતે સ્પષ્ટ પ્રતિક્રિયા : જમ્મુ કાશ્મીરને એક તરફી નિર્ણય કરી વિભાજિત કરાયું

નવી દિલ્હી, તા. ૬ : જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવાના નિર્ણય ઉપર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે મૌન તોડીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. સાથે સાથે કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ આ બિલનો વિરોધ કરતા કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરને એક તરફી રીતે ચુકાદા મારફતે ટુકડામાં વિભાજિત કરવામાં આવ્યું છે. બંધારણનો ભંગ કરીને આ નિર્ણય કરવામાં આવ્યા છે. રાહુલે કહ્યું હતું કે, આનાથી રાષ્ટ્રીય સુરક્ષા ઉપર અસર થશે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને કહ્યું હતું કે,

            જમ્મુ કાશ્મીરને એક તરફી ચુકાદામાં ટુકડામાં વિભાજિત કરવાની બાબત, જન પ્રતિનિધિઓને જેલ ભેગા કરવાની બાબત અને બંધારણના ભંગની બાબતથી રાષ્ટ્રીય એકીકરણની સ્થિતિ બનતી નથી. રાહુલે માંગ કરી હતી કે, તમામ બાબતો ઉપર સાથે લઇને ચાલવાની જરૂર છે. દેશ લોકોથી બને છે જમીનના કોઇ પ્લોટથી દેશ બનશે નહીં. શક્તિના ખોટા ઉપયોગથી રાષ્ટ્રીય સુરક્ષા ઉપર ગંભીર અસર થશે. જમીનના ભૂખંડોથી દેશ બનશે નહીં. રાહુલે પોતાની ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે સરકારના નિર્ણયને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષ વચ્ચે જોરદાર ઉગ્ર બોલાચાલી થઇ હતી. આમને સામને આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. લોકસભામાં કોંગ્રેસના સંસદીય દળના નેતા અધિર રંજન ચૌધરીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, રાતોરાત નિયમ કાયદાનો ભંગ કરીને જમ્મુ કાશ્મીરનું વિભાજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પાર્ટી કલમ ૩૭૦ના મુદ્દે પણ બેકફૂટ ઉપર નજરે પડી રહી છે. લોકસભામાં કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ કહ્યું હતું કે,

             જમ્મુ કાશ્મીરના બંધારણનું શું થશે. સરકાર તે બંધારણને ફગાવી દેવા માટે પણ કોઇ બિલ લઇને આવશે કે કેમ. સરકારે બંધારણીય પાસાઓ ઉપર કોઇ વિચારણા કરી નથી. આંધ્રપ્રદેશ અને તેલંગાણા બનતા પહેલા આંધ્રપ્રદેશની વિધાનસભા સાથે વાતચીત કરવામાં આવી હતી. સરકારે બંધારણીય પાસાઓ ઉપર ચર્ચા કરી નથી. વિધાનસભા સાથે ચર્ચા સહિતના મુદ્દાના રેકોર્ડ રહેલા છે. યુપીએની સરકારે ક્યારે પણ કોઇ ગેરબંધારણીય કામ કર્યું ન હતું. મનિષ તિવારીએ કહ્યું હતું કે, બંધારણની કલમ ત્રણની જે જોગવાઈ છે તે જોગવાઈ મુજબ આંધ્રપ્રદેશની વિધાનસભા અને વિધાન પરિષદ પાસેથી અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા ત્યારબાદ આંધ્ર અને તેલંગાણાની રચના થઇ હતી. કોંગ્રેસના અનેક નેતાઓએ પણ પોતાની રજૂઆત કરી હતી. સરકારના ફેરરચના બિલને લઇને કેટલાક નેતાઓ સમર્થનમાં પણ દેખાયા હતા. રાહુલ ગાંધીએ સોમવારના દિવસે ૩૭૦ના મુદ્દે કોઇ નિવેદન કર્યું ન હતું પરંતુ આજે પોતાની રજૂઆત કરી હતી.

(7:53 pm IST)