Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

નવા કાશ્મીરના નવા ૧૩ કલમકાર

જૂના ચ્હેરાઓ હવે ભૂતકાળ બની ગયોઃ ઇતિહાસની સાથે નવો ઇતિહાસ રચાઇ ગયો

અમદાવાદ તા. ૬ :.. કાશ્મીર રાજય વિશેનો આવડો મોટો નિર્ણય લેવાની કથા એક દી'માં લખી શકાતી નથી. મોદીની વિશ્વસનીય ટીમ ઘણા સમયથી છૂપી રીતે રણનીતિ બનાવી રહી હતી. બદલવાની પટકથા લખી રહી હતી. વાતાવરણ બનાવી રહી હતી. અને ગુપ્તતા તો એવી સેવી કે પોખરણ એ યાદ આપી ગયુ જયારે અમેરિકા પણ ભુલ ખાઇ ગયુ હતું. આ વખતે પણ સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઇ ગયું છે આ સમગ્ર ઘટના પાછળ જે નવા ચ્હેરા છે તે હવે કાશ્મીરના નવા ૧૩ કલમકાર બન્યા છે.

અગાઉના જે ચહેરાઓ, નેતાઓ હતા તે હવે ભૂતકાળ બની ગયો છે અને નવા ૧૩ કલાકારો જે અહીં વર્ણનીય જાય છે. તેઓએ આ ઘટનામાં શું શું ભૂમિકા ભજવી છે તે અહી રજૂ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ

વડાપ્રધાન શ્રી મોદીએ રાજકારણમાં પ્રવેશતા જ કાશ્મીરનું સ્વપનું જોયું હતું અને મુરલી મનોહર જોષી સાથે એકતા યાત્રા યોજી ૧૯૯ર માં લાલ ચોકમાં ત્રિરંગો લ્હેરાવ્યો હતો. એનડીએ-બે ની ચ્હાના પછી પોતાના નજીકના અમિતભાઇ શાહને ગૃહમંત્રી બનાવી કાશ્મીર ઉપર સક્રિય કરી દીધા હવે પરિણામ સામે જ છે.

ગૃહમંત્રી અમિતભાઇ

અમિતભાઇ શાહ ગૃહમંત્રી બનતા જ પ્રથમ દી'થી જ જમ્મુ-કાશ્મીર માટે બેઠકો શરૂ કરી દઇ, સુરક્ષાની કાર્યવાહીઓ તે જ કરી દીધી, સીમા પાર વેપાર બંધ કરી, અલગાવવાદીઓની કમર તોડી નાખી, અનેક એનજીઓ બંધ કરાવી આતંકવાદીઓને હટાવી દીધા એ ત્યાં સુધી કે પોતે શ્રીનગર પહોંચ્યા તો બજારો પણ ત્રાસવાદીઓ બંધ ન કરાવી શકયા આજે જયારે આ ધોષણા થઇ તે પહેલા એક પત્રકારે પુછયું તો શાહે કહયું કે, હવે હસો...

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

એલઓસી ઉપર પાકિસ્તાનને આકરો જવાબ રક્ષામંત્રીએ આપી સિયાચીન સહિતની ચોકીઓની મુલાકાત કરી જવાનોને પ્રોત્સાહીત કરી  કહયું કે, અમારી સુરક્ષાને જે પડકારશે તેને અમે આકરો જવાબ દેવા પુરી રીતે તૈયાર છીએ.

વિદેશ પ્રધાન એસ.જયશંકર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતા સબંધી નિવેદન બાદ એવો જવાબ એસ. જયશંકરે આપ્યો કે, અમેરિકાએ ખૂદ તેના રાષ્ટ્રપતિના નિવેદનનું ખંડન કર્યુ અને દરેક ક્ષેત્રે પાકિસ્તાનને મૂહંતોડ જવાબ આપ્યો.

રાજયપાલ સત્યપાલ મલિક

રાજયપાલશ્રીએ જમ્મુ-કાશ્મીર રાજયના વિકાસ ઉપર ફોકસ કર્યુ લોકો સાથે સીધી વાતચીત કરી પંચાયતોને મજબુત કરી સરકારી યોજનાઓનો લાભ અપાવ્યો અને લોકમાનસનો પળે પળે અહેવાલ કેન્દ્ર સરકારને આપ્યો. રાજકીય રીતે કાશ્મીરી નેતાઓને તેમની ભાષામાં જ સ્પષ્ટ અને સીધો જવાબ આપ્યો.

એનએસએ અજીત ડોભાલ

અજીત ડોભાલએ અમેરિકા, અફઘાનીસ્તાન અને પાકિસ્તાન ઉપર સતત નજર રાખી જે તે સમયે રણનીતિ તૈયાર કરી નજીકના અધિકારીઓ પાસેથી કાશ્મીરનો રીપોર્ટ લેતા રહ્યા અને જમ્મુ-કાશ્મીર જઇ પરિસ્થિતીનો તાગ કાઢયો હતો.

સલાહકાર કે. વિજયકુમાર

કે. વિજયકુમાર એનએસએ અજીત ડોભાલની નજીક રહ્યા છે લાંબી રણનીતિ બનાવી મોટુ ઓપરેશન ન કરવામાં માહિર છે જયારે આતંકવાદ ભરપુર હતો. ત્યારે બીએસએફના આઇ. જી. હતા જુન ર૦૧૮ માં સલાહકાર નિમાયા અને અનુભવના આધારે કાશ્મીર માટે રણનીતિ તૈયાર કરી જેનું પરિણામ સામે છે. ર૦૦૯ માં ચંદન ચોર વિરપ્પનને ઠાર કર્યા બાદ આવા દેશમાં ઉતમ રણનીતિ કાર તરીકે પ્રસિધ્ધ થયા છે.

મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમ

નકસલીઓ ઉપર લગામ લેનારા સુબ્રમણ્યમને કાશ્મીરીમાં આતંકીઓના સફાયા માટે મુકાયા હતાં. કાશ્મીર પોલીસ સાથે મળી તમામ એજન્સીઓને એકત્ર કરી ખીણમાં હમેંશા માટે શાંતિ સ્થાપી જેનું ઉદાહરણ આ વખતની અમરનાથ યાત્રાની સફળતા છે.

રો-પ્રમુખ સામંત ગોયલ

રો-પ્રમુખ જમ્મુ-કાશ્મીરના આ અભિયાનની મહત્વની કડી છે. ૧૯૯૦ માં પંજાબમાં ચરમ પંથને કાબુમાં લેવા ભૂમિકા નિભાવી હતી. જેમનો અનુભવ આ મિશનમાં કામ આવ્યો છે.

આઇબી પ્રમુખ અરવિંદ કુમાર

અરવિંદકુમાર આ પહેલા આ વિભાગમાં કાશ્મીર ઉપર કાર્યરત હતા અને તેઓને એક એક વિસ્તારની પુરી જાણકારી છે.

કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગાબા

રાજીવ ગાબાએ લો પ્રોફાઇલ રહેવા છતાં પણ કાશ્મીરમાં અપ્રિય સ્થિતિથી નિપટવા રણનીતિ તૈયાર કરાવી. તમામ રાજયોને એલર્ટ રહેવાનો પ્રબંધ કરાવ્યો અને પુરા દેશમાં આ માટેની વ્યવસ્થા કરી હતી.

લેફટનન્ટ જનરલ કે. જે. એસ. ઢિલ્લન

સરહદ ઉપર તાબડતોબ બોમ્બમારો  કરી આતંકી અકાઓનો પહેલાં થી સફાયો કરનાર ઢિલ્લન એલઓસી ઉપર સંપૂર્ણ સતર્ક રહ્યા અને પાકિસ્તાનને સમજવાની પણ તક ન આપી કે ભારત શું કરે છે અને હવે પાકિસ્તાનના નાણામંત્રી તો આ ઘટનાને અફઘાનિસ્તાન શાંતિવાર્તાથી આ બાબતને જોડીને જોઇ રહ્યા છે.

ભાજપના મહાસચિવ રામ માધવ

રામ માધવ આરએસએસના જુના સ્વયંસેવક છે અને કલમ ૩૭૦, ૩પ-એ દુર થતા ભાજપને કઇ રીતે ફાયદો થશે તેના માટે સતત જમ્મુ-કાશ્મીર રાજયનો પ્રવાસ કરતા રહયા અને છેલ્લે ભાજપ ત્થા પીડીપી ગઠબંધન માટે તેઓ કડીરૂપ હતા પરંતુ પાછળથી ગઠબંધન છૂટુ પડી ગયુ ત્યારથી રાજયપાલ પછી રાષ્ટ્રપતિ શાસન આપ્યુ પરંતુ પ્રદેશમાં ભાજપ કેટલા મજબુત છે તેનો અહેવાલ હમેંશા અમિતભાઇ શાહને આપતા રહ્યા છે.

(3:49 pm IST)