Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

રાજસ્થાનમાં બની કમ્પ્યુટરની હરતી ફરતી બસ-લેબોરેટરી

જયપુર તા. ૬: જે સરકારી સ્કૂલોમાં અંગ્રેજી, વિજ્ઞાન અને કમ્પ્યુટર જેવા વિષયો માટે લેબોરેટરીની વ્યવસ્થા નથી તેમના માટે રાજસ્થાનના એક ટ્રસ્ટે પહેલ કરીને આધુનિક લેબોરેટરી બનાવી છે. આ લેબ બસમાં બનાવી હોવાથી એ રોજ અલગ-અલગ સ્કૂલોમાં જઇ શકશે. નાગોરા જિલ્લામાં ૧૦૦ સરકારી સ્કૂલના ૬૦૦૦ થી વધુ બાળકો આ લેબમાં કમ્પ્યુટર અને ગણિત ભણી શકશે. સૂરજમલ તાપડિયા મેમોરિયલ ટ્રસ્ટ અને સુપ્રીમ ફાઉન્ડેશને આ બસ લેબ શરૂ કરી છે. આ વિસ્તારમાં ૧૯ર સરકારી સ્કૂલો છે અને એમાંથી ૧૦૦ જેટલી સ્કૂલોમાં કમ્પ્યુટર લેબ કે અન્ય આધુનિક સંસાધનોનો અભાવ છે. એવામાં આ હરતીફરતી બસ રોજ અલગ-અલગ સ્કૂલોમાં જઇને વિદ્યાર્થીઓને લાભ આપશે. જો આ પ્રયોગ સફળ થશે તો બસોની સંખ્યા વધારાશે. હાલમાં આ એક બસ ૪પ લાખ રૂપિયામાં તૈયાર થઇ છે. એમાં એરકન્ડિશનર અને ર૧ કમ્પ્યુટર લાગેલા છે એટલે એક સાથે ર૧ બાળકો ભણી શકશે. આ બસ સાથે દરેક વિષયના શિક્ષકો પણ અહીં છે.

(3:21 pm IST)