Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

લોકસભામાં કોંગ્રેસના નેતા ચૌધરી ૩૭૦ અંગે નિવેદન આપી ભેખડે ભરાયાઃ કોંગ્રેસની આબરૂના ધજાગરા થયાઃ સોનિયા ગાંધી ભારે નારાજ

કોંગ્રેસના નેતા સેલ્ફ ગોલ કરીને ફસાઈ ગયાઃ અમિત શાહે ઉધડો લીધોઃ સોનિયાએ ઈશારામાં જ નારાજી દર્શાવી

નવી દિલ્હી, તા. ૬ :. લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બીલ પર ચર્ચા દરમિયાન કંઈક એવી ઘટના બની કે કોંગ્રેસની આબરૂના ધજાગરા થઈ ગયા. કોંગ્રેસ સંસદીય દળના નેતા અધિર રંજન ચૌધરીએ કલમ ૩૭૦ ઉપર એવો સવાલ પૂછયો કે ગૃહમંત્રી અમિત શાહે તેમની ઝાટકણી કાઢી. અમિત શાહે કહ્યુ હતુ કે, આ મામલે કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ કરવુ જોઈએ. કોંગ્રેસ જણાવે કે શું કાશ્મીરને યુનો મોનીટર કરે.

લોકસભામાં બીલ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન અમિત શાહ અને ચૌધરી વચ્ચે તીખી દલીલબાજી થઈ હતી. ચૌધરીએ કહ્યુ હતુ કેન્દ્ર સરકારે રાતોરાત નિયમ કાયદા બાજુ રાખી જમ્મુ-કાશ્મીરના કટકા કરી દીધા. તેમના આ નિવેદનથી અમિત શાહ ભડકી ઉઠયા અને કહ્યુ કે સરકારે કયો નિયમ તોડયો છે ? તમે જણાવો સરકારે તેનો જવાબ આપશે. તેમણે કહ્યુ કે કોંગ્રેસ નેતાએ જનરલ સ્ટેટમેન્ટ આપવા ન જોઈએ. જવાબમાં ચૌધરીએ કહ્યુ કે, તમે હમણા કહ્યુ કે કાશ્મીર આંતરીક મામલો છે હજુ પણ યુનો ૧૯૪૮થી મોનીટરીંગ કરે છે. અમિત શાહે આ બાબતે ચૌધરીને ટોકયા હતા. તમે સ્પષ્ટ કરો કે આ કોંગ્રેસનું સ્ટેન્ડ છે કે નહિ ? તે પછી ગૃહમાં હંગામો થયો હતો.

લોકસભામાં કોંગ્રેસના નેતા સેલ્ફ ગોલ કરી બેઠા તેમણે જ્યારે આવુ કહ્યુ ત્યારે સોનિયા ગાંધી બાજુમાં બેઠા હતા અને જાણે એવુ લાગ્યુ કે સોનિયા ગાંધી આ નિવેદનથી ચોંકી ઉઠયા હતા. ચૌધરીના નિવેદનથી સોનિયા ગાંધી નારાજ પણ જોવા મળ્યા હતા.

સૂત્રોનું માનીએ તો ચૌધરીએ લોકસભામાં જે પક્ષ રાખ્યો તેનાથી સોનિયા નારાજ હતા. સોનિયા ગાંધીએ આ બાબતને લઈને તેમની સાથે વાત પણ કરી હતી. યુનોના મોનીટરીંગને લઈને નિવેદન આપતા ચૌધરી ફસાઈ ગયા હતા. ચૌધરીના આ નિવેદનથી અમિત શાહ ઘણા આક્રમક થઈ ગયા હતા અને તેમને કોંગ્રેસ સામે અનેક સવાલો ઉભા કર્યા હતા.

(3:19 pm IST)