Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

કલમ ૩૭૦ અંગે રાહુલે મૌન તોડયું

સરકારના નિર્ણયથી રાષ્ટ્રીય સુરક્ષા ખતરામાં

રાષ્ટ્રીય અખંડતા માટે જમ્મુ-કાશ્મીરના ટુકડા થવા ન દેવાય

નવી દિલ્હી, તા.૬: કેન્દ્ર સરકાર દ્વારા જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવવા પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પહેલી વાર પ્રતિક્રિયા આપી છે.

જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ ૩૭૦ના કમજોર કરવા અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મૌન તોડ્યું છે. રાહુલનું કહેવું છે કે કેન્દ્ર સરકારનો નિર્ણય બંધારણનું ઉલ્લંદ્યન છે. તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો થઇ શકે છે.

રાહુલે લખ્યું, 'રાષ્ટ્રીય અખંડતાને બનાવી રાખવા માટે જમ્મુ કાશ્મીરના એકતરફી ટૂકડા ન કરી શકાય. તેના બંધારણને પાછળ રાખીને ચૂંટાયેલા પ્રતિનિધિઓને જેલમાં નાખી ન શકાય. દેશ લોકોથી બને છે, જમીનથી નહીં. કાર્યકારી શકિતઓનો દૂરુપયોગ આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે એક ગંભીર ખતરો સાબિત થઇ શકે છે.'

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજયસભા અને મંગળવારે લોકસભામાં જમ્મૂ કાશ્મીર પુનર્ગઠન બિલને રજૂ કર્યું હતું. સોમવારે જયારે રાજયસભામાં આ બિલ આવ્યું તો કોંગ્રેસે તેનો વિરોધ કર્યો. કોંગ્રેસ તરફથી રાજયસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે તેને લોકતંત્રનું મર્ડર ગણાવ્યું હતું.

સૂત્રોને મળતી જાણકારી મુજબ કલમ-૩૭૦ હટાવવાને લઇને પહેલા કોંગ્રેસ પાર્ટીની અંદર જ બે અલગ-અલગ વિભાજન જોવા મળી રહ્યાં છે. જો કે હવે પાર્ટીમાં આ બિલના વિરોધને લઇને સહમતિ જોવા મળી રહી છે. કોંગ્રેસ અનુસાર જેવી રીતે આ બિલને હટાવી દેવામાં આવ્યું તે રીત બરાબર નથી.

રાજયસભામાં એક બાદ એક બિલ પાસ થઈ રહ્યા છે. કાશ્મીરના વિકાસમાં રોડો બનતો કાયદો ૩૭૦ હટી જતાં દેશમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે. કેટલાંક રાજકીય પક્ષો આ બિલ પાસ થતા નારાજ છે. જયારે કોંગ્રેસ પણ બે ભાગમાં અલગ-અલગ જોવા મળી. કોંગ્રેસમાં આ બિલને લઈને વિરોધ છે.

જયારે તેમના જ કેટલાંક નેતાઓ બિલનું સમર્થન પણ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા જનાર્દન દ્વિવેદીએ પણ આ નિર્ણયને આવકાર્યો છે. તેમનું કહેવું છે કે, શરીરનું અંગ કયારેય જુદુ ના હોઈ શકે. જનાર્દન દ્વિવેદીએ કહ્યું કે આ જૂનો મુદ્દો છે. સ્વતંત્રતા બાદ દ્યણા સ્વતંત્રતા સંગ્રામ સેનાની ઇચ્છતા નહોતા કે આર્ટિકલ-૩૭૦ જમ્મૂ-કાશ્મીરમાં રહે.

કોંગ્રેસ ભલે જમ્મૂ-કાશ્મીરમાં કલમ-૩૭૦ હટાવવા અને જમ્મૂ-કાશ્મીરમાં પૂનર્ગઠન બિલનો ભારે વિરોધ કરી રહી હોય પરંતુ પાર્ટીના કેટલાંક નેતાઓ પાર્ટી લાઇનથી હટીને નિવેદન આપી રહ્યાં છે. જેમાં કોંગ્રેસ પાર્ટીના કેટલાંક યુવા નેતાઓ પણ સામેલ છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ દિપેન્દ્ર સિંહ હુડ્ડા અને મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ મિલિન્દ દેવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્ણયને સમર્થન આપ્યું હતું.

(3:18 pm IST)