Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

હવે પાકિસ્તાન કબ્જા હેઠળનું કાશ્મીર પરત મેળવવાનો દાવ?

નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સરકારે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરીને ઐતિહાસિક નિર્ણય લીધો છે. કાશ્મીર સમસ્યાના ઉકેલની દિશામાં આ મોટું કદમ છે ત્યારે હવે પછી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જોડી શું કરે છે તેના પર સૌની નજર છે.

રાજકીય સૂત્રોના મતે મોદી-શાહની જોડીનું હવે પછીનું લક્ષ્ય પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પાછું મેળવવાનું છે. પાકિસ્તાને ૧૮૪૭માં કાશ્મીર પર આક્રમણ કરીને ત્રીજા ભાગના કાશ્મીર પર કબજો કરી લીધો હતો. આ કાશ્મીર પર અત્યારે પાકિસ્તાનનો કબજો છે અને અમિત શાહ-મોદીનું લક્ષ્ય આ પ્રદેશ પાછું મેળવવાનું હોવાનું એબીપી અસ્મિતાનો હેવાલ નોંધે છે.

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ને કબજે કરવા ભારતે લશ્કરી કાર્યવાહી કરવી પડે અને એ માટે મોદી-શાહની જોડી તૈયાર હોવાનું રાજકીય પંડિતો માને છે. આ કાર્યવાહી રાતોરાત ના થાય અને તે માટે જોરદાર તૈયારી કરવી પડે તેથી તેમાં સમય લાગશે.

અલબત્ત્। મોદી-શાહની જોડી જે રીતે આગળ વધી રહી છે એ જોતાં મોદી સરકારના પાંચ વર્ષની બીજી ટર્મમાં આ કાર્ય પૂરું કરી દેશે એવું લાગે છે. પીઓકે પર ભારતનો કબજો થઈ જાય તો સંપૂર્ણ કાશ્મીર ભારતના કબજામાં આવી જાય એ જોતાં મોદી-શાહનું હવે પછીનું મિશન એ જ હોવું જોઈએ તેવી જોરદાર ધારણા પ્રસરી રહ્યાનું એબીપી જણાવે છે.

(1:30 pm IST)