Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

જેસલમેરમાં પાંચમી આર્મી ઇન્ટરનેશનલ ગેઇમ્સનો પ્રારંભ

ભારત, રશિયા, ચીન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઝિમ્બાવે, આર્મેનીયા અને બેલારૂસના જવાનો વચ્ચે યુધ્ધ કૌશલ્યનો જંગ : ૧૬મીએ સમાપનઃ હેલીકોપ્ટર માઉટીંગ ડ્રીલ, નાઇટ નેવીગેશન, એબંશુ એકસરસાઇઝ, સ્કાઉટ સ્પેશ્યાલીસ્ટ ફોર્સ જેવી ર્સ્પધાઓ યોજાશે

જેસલમેરઃ દેશના સૌથી મોટા મિલટ્રી સ્ટેશન જેસલમેર ખાતે ગઇકાલથી આર્મીના ઇન્ટરનેશનલ ગેઇમ્સની શરૂઆત થઇ છે. અહિં પાંચમી આર્મી ઇન્ટરનેશનલ સ્કાઉટ માસ્ટર્સ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. સાથો - સાથ  રશીયાના મોસ્કો ખાતે પણ આ સ્પર્ધા શરૂ થઇ છે.

જેસલમેર ખાતે ભારત ઉપરાંત રશીયા અને ચીન જેવી મોટી સૈન્ય તાકાતો સાથે કઝાકીસ્તાન, ઉઝબેકીસ્તાન, ઝિમ્બાવે, આર્મેનિયા અને બેલારૂસ પણ ભાગ લઇ રહયું છે. તેઓ એક-બીજા પાસેથી યુધ્ધ કૌશલ્ય શીખશે.

સ્પર્ધાનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ દક્ષિણી કમાન્ડના ચીફ ઓફ સ્ટાફ લેફટેનન્ટ જનરલ ડીએસ આહુજાએ કર્યુ હતુ. રશીયાના ઉપ રક્ષામંત્રી ઇવકરોવએ ટ્રોફી આપી સ્પર્ધા શરૂ કરાવેલ. ઉપરાંત બધા દેશોના રક્ષા વિશેષજ્ઞો હાજર રહેલ.

જેસલમેર અને આસપાસના વિસ્તારોમાં ૬ થી ૧૪ ઓગષ્ટ સુધી ૯ દિવસ સ્પર્ધા યોજાશે. આહુજાએ જણાવેલ કે આ પ્રકારની પ્રતીષ્ઠિત સ્પર્ધાનું મેજબાન બનવું ભારત માટે ગૌરવની વાત છે.

સ્પર્ધામાં આજે ૬ ઓગષ્ટના રોજ ઘુસણખોરી અને એબુંશ એકસરસાઇઝ, હેલીકોપ્ટર માઉટીંગ ડ્રીલ, નાઇટ નેવીગેશન અને એબુંશ એકસરસાઇઝ યોજાશે.

જયારે ૭ ઓગષ્ટના રોજ સ્કાઉટ સ્પેશ્યાલીસ્ટ કોર્સ, બીએમપી (ટેન્ક જેવુ નાનુ વાહન) થકી દુશ્મનના વિસ્તારમાં ઘુસવાની સ્પર્ધા યોજાશે.

૮ ઓગષ્ટના રોજ સ્કાઉટ સ્પેશ્યાલીસ્ટ કોર્સ, પાણીમાં તરીને દુશ્મનના વિસ્તારોમાં જઇ આક્રમણ કરવાનું કૌશ્લ્ય ભાગ લેનાર દેશો વચ્ચે યોજાશે.

ઉપરાંત ૯ ઓગષ્ટે વિવિધ અડચણો પાર કરતા-કરતા દુશ્મનના ઘરમાં ઘુસવાની સ્પર્ધા યોજાશે.

જયારે ૧૦ ઓગષ્ટે નાના હથીયારોથી દુશ્મન ઉપર ગોળીબાર કરી આગળ વધતા જવાનો એક-મેકને ટકકર આપશે.

આમ આ સ્પર્ધાનું ૧૬ ઓગષ્ટના રોજ સમાપન કરવામાં આવશે. અગાઉ ચાર વખત આ સ્પર્ધા રશીયામાં યોજાઇ છે. છેલ્લી વખતે નોવોસિબિર્સ્કમાં યોજાયેલ સ્પર્ધામાં રશીયા વિજેતા રહયું હતુ. સ્પર્ધા અંગે આહુજાએ જણાવેલ કે આ એક એવુ પ્લેટફોર્મ છે જયાં એક-બીજા પાસેથી ટ્રેનીંગ મળે છે. સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ થાય છે. સાથો - સાથ પ્રોફેશ્નલ ટ્રેનીંગ પણ શીખવા મળે છે.

(1:28 pm IST)