Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ત્રિપલ તલાક-કલમ ૩૭૦ બાદ હવે સમાન નાગરિક સંહિતાનો વારો !

મોદી સરકાર જે રીતે ધડાધડ નિર્ણયો લઈ રહી છે તેના પરથી નિર્દેશો મળે છે કે હવે સરકાર વિવાદીત સમાન નાગરિક સંહિતાનો એજન્ડા પોતાના હાથ પર લેશેઃ હાલ દેશમાં વિવિધ ધર્મો અને સંપ્રદાયોના લોકો માટે લગ્ન, બાળકને દત્તક લેવા, સંપત્તિ કે ઉતરાધિકાર વગેરે મામલાને લઈને અલગ અલગ નિયમ છેઃ કોઈ ધર્મમાં જે બાબતને લઈને પ્રતિબંધ હોય તો બીજા સંપ્રદાયમાં તેને ખુલ્લી છુટ હોય છેઃ આનાથી દેશમાં એકરૂપતા નથી આવતીઃ તમામ વર્ગો માટે એક એવા કાનૂનની જરૂરીયાત છે જે બધા પર એક સમાન લાગુ થાય

નવી દિલ્હી, તા. ૬ :. કેન્દ્રની મોદી સરકારે ૩ તલાકને કાયદો બનાવ્યો, ગઈકાલે વિવાદીત ૩૭૦ની કલમ રદ્દ કરી ઐતિહાસિક ફેંસલો લીધો તે પછી હવે મોદી સરકારના એજન્ડામાં સમાન નાગરીક સંહિતા હોવાનું જાણવા મળે છે. અત્રે એ નોંધનીય છે કે ભારતના એજન્ડામાં અયોધ્યામાં રામ મંદિર, કલમ ૩૭૦ અને સમાન નાગરિક ધારો હતો. ગઈકાલે જે રીતે સરકારે ફેંસલો લીધો તેના પરથી હવે લાગે છે કે હવે સમાન નાગરિક સંહિતાનો વારો છે.

મોદી સરકારે કલમ ૩૭૦ હટાવવાનો ફેંસલો લીધો તે પછી સમાન નાગરિક સંહિતા ઉપર આશાઓ વધી છે. અત્યારે દેશમાં વિવિધ ધર્મો અને સંપ્રદાયના લોકો માટે લગ્ન, બાળકોને દત્તક લેવા સંપત્તિ કે ઉતરાધિકાર વગેરે મામલાને લઈને અલગ અલગ નિયમો છે. તેથી કોઈ ધર્મમાં જે બાબતને લઈને પ્રતિબંધ છે તો બીજા સંપ્રદાયમા એ બાબતને ખુલ્લી છુટ હોય છે. આનાથી દેશમાં એકરૂપતા આવી શકતી નથી. આઝાદી બાદથી જ તમામ ધર્મો માટે એક એવો કાયદો બનાવવાની વાત થાય છે જે બધા પર એક સમાન લાગુ થાય. જો કે અત્યાર સુધી આ અંગે સહમતી બની શકી નથી. અગાઉ હિન્દુ કોડ બીલ અને હવે તત્કાલ ૩ કલાક પર બનેલ કાયદો આ દિશામા મોટુ પગલુ માનવામાં આવે છે.

મોદી સરકારે એક સપ્તાહ પહેલા જ ત્રિપલ તલાકને અલવિદા કરતો કાયદો પસાર કર્યો અને હિંમત દાખવી. તે પછી ગઈકાલે હવે કાશ્મીર અંગે મોટો નિર્ણય લીધો. તેથી હવે સમાન નાગરિક સંહિતા કે જે અત્યાર સુધી અશકય બાબત માનવામાં આવી હતી તે હવે શકય બને તો નવાઈ નહિ.

ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલ કાયદાઓને સમાપ્ત કરી અને તેની જગ્યાએ એક સમાન કાનૂન લાવવાનો પ્રસ્તાવ છે સમાન નાગરિક સંહિતા. હાલ ભારતમાં વિવિધ ધર્મો અને સંપ્રદાયના લોકોમાં પોતપોતાના અંગત ધાર્મિક કાનૂનો છે. સમાન નાગરિક સંહિતા ફકત લગ્ન, તલાક, સંપત્તિ, ઉતરાધિકાર, બાળક દત્તક લેવા અને ભરણ પોષણ જેવા મુદ્દા પર લાગુ થશે.

ગોવા દેશમાં એક માત્ર એવુ રાજ્ય છે જ્યાં ગોવા ફેમીલી લોના નામથી સમાન નાગરિક સંહિતા લાગુ છે. બીજે આવુ નથી હાલ વિવિધ ધર્મને માનનારા લોકો પોતાની ધાર્મિક માન્યતાઓ, સંસ્કૃતિ અને રીતરીવાજોના આધાર પર લગ્ન, સંપત્તિ, તલાક અને દત્તક લેવાના ફેંસલા કરી શકે છે. જો આમા કોઈ વિવાદ પેદા થાય તો આના માટે કોઈ કાનૂન નથી હોતો.

દેશમાં તાજેતરમાં લોકસભામાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે ખરડો લાવવાની માંગણી લોકસભામાં થઈ હતી કે જેથી કોઈ રાજકીય પક્ષ કોઈ વર્ગ વિશેષને પુષ્ટીકરણની રાજનીતિ કરી ન શકે.

(11:00 am IST)