Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

દીકરાએ ઉંઘમાં પલંગ ભીનો કર્યો : નિર્દયી સાવકી માતાએ રેડયું ગરમ તેલ

પોલીસે મહિલાની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કર્યો

કોરબા તા. ૬ : છત્તીસગઢના કોરબા જિલ્લામાં એક મહિલાએ ૬ વર્ષના સાવકા દીકરાના પ્રાઈવેટ પાર્ટ પર કથિત રીતે ગરમ તેલ નાંખી દીધું હોવાની ઘટના સામે આવી છે. સાવકા દીકરાએ ઊંઘમાં પેશાબ કરતા પલંગ ભીનો થયો હતો, જેની સજાએ માતાએ આપી. પોલીસે મહિલાની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે જણાવ્યું કે, 'ઘટના કથિત રીતે ૨ ઓગસ્ટના રોજ અહીંથી ૩૫ કિલોમીટર દૂર કટઘોરા પોલીસ સ્ટેશનના પુચ્છપરા ગામમાં બની હતી.'

કટઘોરા પોલીસે આપેલી માહિતી પ્રમાણે, 'બાળકે આ ઘટના અંગે શનિવારે પોતાની એક પરિવારજન સંગીતાને જણાવ્યું. જે તેણે બાળકના પિતા સાથે મળીને મંગલેશ્વરી કે જે બાળકની સાવકી માતા છે તેની સામે ફરિયાદ નોંધાવી. જો કે મંગલેશ્વરીએ આરોપોને નકાર્યા છે અને તેલ ભૂલથી બાળક પર પડી ગયું હોવાની વાત કરી છે.'

પોલીસે કહ્યું કે, 'આરોપીએ હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો. તેને પૂછવામાં આવ્યું કે તેલ પડ્યા બાદ બાળકને હોસ્પિટલ કેમ ના લઈ ગઈ. બાળકના સંબંધીને જાણ થયા બાદ શનિવારે બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આરોપી મંગલેશ્વરી સામે કલમ ૩૨૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.'

(4:16 pm IST)