Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ૨૧મીએ લોન્ચ કરી દેવાશે

ગ્રામીણ ક્ષેત્રમાં ફાઈનાન્સિયલ સેવા પર ધ્યાન : વડાપ્રધાન મોદી દ્વારા વિધિવત રીતે બેન્ક લોન્ચ કરાશે

નવી દિલ્હી, તા. ૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧મી ઓગસ્ટના દિવસે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કની શરૂઆત કરવા જઈ રહ્યા છે. દરેક જિલ્લામાં એક શાખા શરૂ કરવામાં આવ્યા બાદ આનાથી સીધો ફાયદો ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને થશે. ગ્રામીણ વિસ્તારોમાં ફાઈનાન્સીયલ સર્વિસ ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. મોદીએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક લોન્ચ કરવા ૨૧મી ઓગસ્ટનો સમય આપ્યો છે. આ બેન્કની બે શાખાઓ પહેલાથી જ ઓપરેશનલ થઈ ચુકી છે. બાકીની ૬૪૮ શાખાઓ દરેક જિલ્લામાં દેશભરમાં લોન્ચ કરાશે. દુરસંચાર મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આજે માહિતી આપતા કહ્યું હતું કે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસ શાખાઓ સુધી પહોંચશે. જેના ભાગરૂપે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બેન્કીંગ અને ફાઈનાન્સિયલ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકાર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક સર્વિસ સાથે ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસ શાખાઓને લીન્ક કરવાની યોજના ધરાવે છે. આ વર્ષના અંત સુધીમાં સેવાને તમામ શાખા સાથે લીન્ક કરી દેવામાં આવશે. ગ્રામીણ સ્તર સુધી સીધી ઉપસ્થિતિ સાથે આનાથી દેશની સૌથી મોટી બેન્કીંગ સેવા પહોંચી જશે. છેલ્લા સપ્તાહમાં જ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કના સીઈઓ સુરેશ શેઠીએ કહ્યું હતું કે ૬૫૦ શાખાઓ સાથે જોરદાર તૈયારી કરવામાં આવી છે. ૧૭ કરોડ પોસ્ટલ સેવિંગ બેંકને તેના ખાતા સાથે જોડી દેવામાં આવનાર છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને વધુને વધુ લાભ મળે તે હેતુસર આની શરૂઆત કરવામાં આવી રહી છે. ડિજીટલ બેન્કીંગ અને ફાઈનાન્સિયલ સર્વિસનો લાભ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો મેળવી શકશે. જેમાં મની ટ્રાન્સફરની સેવા મળશે. એક બેન્કથી અન્ય કોઈપણ બેન્કમાં મની ટ્રાન્સફર થઈ શકશે. પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને અથવા તો મોબાઈલ એપની મદદ લઈને કોઈપણ બેન્ક ખાતામાં નાણાં સરળતાથી ટ્રાન્સફર થઈ શકશે. એરટેલ અને પેટીએમ બાદ પેમેન્ટ મેળવનાર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ ત્રીજી સંસ્થા બની રહી છે. પેમેન્ટ બેન્ક વ્યક્તિગતો અને નાના કારોબારીઓ પાસેથી એક લાખ રૂપિયા સુધી ડિપોઝીટ પણ સ્વીકારશે. પોસ્ટલ પેમેન્ટ બેન્કમાં આરટીજીએસ, નિફ્ડ, આઈએમટીએસ ટ્રાન્ઝેકશન થઈ શકશે.

(12:00 am IST)