Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

આયોજકની ભૂલના કારણે અમરનાથ જતાં યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા : અમૃતસરમાં ફસાયેલ યાત્રીઓનિ મદદે આવી ભરૂચ પોલીસ

DSP ડો. લીના પાટીલને જાણ થતાં જ તેમણે તેમના IPS બેચમેટની મદદથી રોકી રખાયેલ બસ અને યાત્રીઓને આગળ રવાના કરાયા

અમૃતસર તા.06 : ભરુચથી અમરનાથનાં પ્રવાસે ગયેલ મુસાફરો આયોજનની ખામીને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. બસ ડ્રાઈવર પાસે આર.ટી.ઓ. ના કાગળ અને અન્ય જરૂરી મંજૂરી ન હોવાને કારણે બસને ડિટેઇન કરવામાં આવી હતી. જે બાબતે જાણ થતાં જ ભરૂચના DSP ડો. લીના પાટીલ યાત્રિકોની  મદદે આવ્યા હતા.

ભરૂચથી 40 શ્રદ્ધાળુઓને લઈ અમરનાથ યાત્રાએ નીકળેલી જાસ્મિન ટ્રાવેલ્સની બસને અમૃતસર અને પઠાણકોટ વચ્ચે અટકાવી કચ્છુંનગર પોલીસ સ્ટેશનમાં મૂકી દેતા કલાકો સુધી યાત્રીઓ ફસાઈ ગયા હતા. અમૃતસર અને પઠાણકોટ વચ્ચે ત્યાંની આર.ટી.ઓ. એ જાસ્મિન ટ્રાવેલ્સની ભરૂચના યાત્રીઓ ભરેલી લકઝરી બસને રોકી હતી. આર.ટી.ઓ.ની જરૂરી પરવાનગી, ટેક્ષ અને અન્ય કાગળિયાને લઈ શ્રધ્ધાળુઓ સાથે જ સીધી બસ નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જવાય હતી.

દરમિયાન એક યાત્રીએ ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની લકઝરી બસ અને ફસાયેલા યાત્રીઓના ફોટા સાથે વોટ્સએપ મેસેજ કર્યો હતો. તરત ભરૂચ એસ.પી. ASP વિકાસ સુંડાને તમામ વિગતો મેળવી બનતી ત્વરાએ શક્ય એટલી મદદ કરવા જણાવ્યું હતું. એ.એસ પી. એ ભરૂચ એ ડિવિઝન પી.આઈ. એ.કે. ભરવાડને પણ તપાસ કરવા કહ્યું હતું. ફોટા પરથી લકઝરીના માલીક અને તેની પાસેથી ડ્રાઈવર ઝાલમસીંગનો નંબર મેળવી તમામ વિગતો મેળવાઈ હતી. ભરૂચ એ.એસ.પી. એ અમૃતસરમાં ફરજ બજાવતા પોતાના બેચમેટ IPS અજય ગાંધી સાથે વાત કરી હતી. જે બાદ ગણતરીની મિનિટમાં ભરૂચના અમરનાથ યાત્રીઓની બસ આગળ રવાના કરવામાં આવી હતી. યાત્રીઓ અને તેમન પરિવારે ભરૂચ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, લકઝરી બસ સુરતની ટ્રાવેલ્સની હતી. જેને ભરૂચના એક અયોજકે અમરનાથ યાત્રાનો સંઘ ઉપાડવા લીધી હતી. જે અન્ય રાજ્યોના આર.ટી.ઓ. પેપર્સ, ટેક્ષ સહિતની કાર્યવાહી નહિ કરાતા અયોજકના વાંકે 40 અમરનાથ યાત્રીઓને કલાકો સુધી અટવાઈ જવાનો વારો આવ્યો હતો.

(8:22 pm IST)