Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

દેશના અનેક રાજયોમાં પણ વરસાદ

પશ્ચિમ બંગાળ, સિકિકમ, ઓરીસ્સા, ગોવા, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, ઉતરાખંડ અને તેલંગાણામાં પણ વરસાદની આગાહીઃ નૈનિતાલમાં ત્રણ મહિલાઓ તણાઈ

નવી દિલ્હીઃ ઉત્તર ભારત સહિત અનેક રાજયોમાં વરસાદના પગલે ગરમીમાં રાહત અનુભવાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી કેટલાક દિવસો ગુજરાત અને ઓરીસ્સામાં ભારે વરસાદ પડશે.

નોંધનિય છે કે ૧૫ મી.મી. સુધી હળવો, ૧૫ થી ૬૪.૫ મી.મી. સુધી મધ્યમ અને ૬૪.૫ મી.મી.થી વધુને ભારે વરસાદનું રૂપ માનવામાં આવે છે.

સ્કાયમેટના વેધર રિપોર્ટ અનુસાર ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જયારે મધ્યપ્રદેશ, છતિસગઢ, પશ્ચિમ બંગાળ, સિકિકમ, ઓરીસ્સા, ગોવા, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના અમુક ભાગોમાં પણ સારા વરસાદની સંભાવના છે.

સાથોસાથ બિહાર, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં ચોમાસાનું સામાન્ય પ્રદર્શન જોવા મળશે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાત, મુંબઈ, કર્ણાટક, કેરળ, ઓરીસ્સા, બિહાર, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીના પાલમમાં ૪૮.૬ મી.મી. વરસાદ નોંધાયો હતો. ઉત્તરાખંડના નૈનિતાલમાં ઉફનતી કોસી નદીમાં ત્રણ મહિલાઓ પાણીમાં તણાઈ ગઈ હતી. પીટીઆઈના જણાવ્યા મુજબ આ મહિલાઓ ઘાસચારો એકત્ર કરવા નિકળી હતી.

જયારે ઉતરાખંડમાં છેલ્લા ૨૪ કલાકમાં તોફાની વરસાદના પગલે નદી- નાળાઓ છલકાઈ ગયા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ૨૪ કલાક ઉતરાખંડમાં વરસાદ ચાલુ રહેશે અને અનેક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડશે.

(4:15 pm IST)