Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

આસામમાં મૌલાનાના જનાજામાં લોકોના ટોળા ઉમટયાઃ ૩ ગામોમાં સખ્ત લોકડાઉન લાગૂ

ખૈરુલ ઇસ્લામ All India Jamiat Ulemaના ઉપપ્રમુખ હતાઃ ખૈરુલ ઇસ્લામને ૨ જુલાઈના રોજ સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા : જિલ્લા વહીવટી તંત્ર મુજબ જનાજામાં આશરે ૧૦,૦૦૦ લોકો સામેલ થયા હતા

ગુવાહાટી, તા.૬: દેશમાં કોરોનાની સ્થિતિ વકરતી જાય છે. આ દરમિયાન આસામના નાગાંવમાં હજારો લોકોની ભીડ એક મૌલાનાના જનાજામાં એકઠી થઈ હતી. ૮૭ વર્ષીય પ્રખ્યાત ધાર્મિક ગુરુ ખૈરુલ ઇસ્લામને ૨ જુલાઈના રોજ સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યું હતું. ખૈરુલ ઇસ્લામ All India Jamiat Ulemaના ઉપપ્રમુખ હતા અને પૂર્વોત્તરમાં Aamir-e-Shariatના પ્રમુખ પણ હતા.

ખૈરુલ ઇસ્લામ ૮૭ વર્ષના હતા અને નાગાંવમાં તેમનું જન્મસ્થળ પણ છે. ખૈરુલ ઇસ્લામના પરિવારજનો ઈચ્છતા હતા કે, તેમનો જનાજો ૩ જુલાઈના રોજ નીકાળવામાં આવે. જો કે બાદમાં ૨ જુલાઈએ જ જનાજો નીકાળવાનો નિર્ણય લેવામાં આવ્યો. ખૈરુલ ઇસ્લામના પુત્ર અમીનુલ ઇસ્લામે પોતાના ફેસબુક પર જનજાની તસ્વીરો પણ પોસ્ટ કરી હતી. આ તસ્વીરોમાં ભારે ભીડ જોવા મળે છે.

અમીનુલ ઇસ્લામ All India United Democratic Front (AIUDF)ના ધારાસભ્ય છે અને વર્તમાનમાં નાગાંવની ઢિંગ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અહીંના જિલ્લા વહીવટીતંત્રનો અંદાજ છે કે, આ જનાજામાં આશરે ૧૦,૦૦૦ લોકો સામેલ થયા હતા.

આ અંગે નાગાંવનાં ડેપ્યુટી કમિશનર જાધવ સૈકિયાએ જણાવ્યું હતું કે શ્નબે કેસ નોંધાયા છે. એક પોલીસ દ્વારા અને બીજો સ્થળ પર હાજર મેજિસ્ટ્રેટ દ્વારા. કોરોના વાયરસના સંક્રમણ ફેલાવવાના ભયને ધ્યાનમાં રાખતા ૩ ગામોમાં સખ્ત લોકડાઉન લાગૂ લાગૂ કરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યુ કે, ટોળામાં કોઈ પણ પ્રકારની લો એન્ડ ઓર્ડરની સમસ્યા નથી સર્જાઈ, પરંતુ ટોળાએ કોવિડ-૧૯ અંગે બનાવવામાં આવેલા નિયમ જેમ કે સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક પહેરવા જેવા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ મામલામાં કોઈ એક વ્યકિત વિરુદ્ઘ કેસ દાખલ કરવામાં આવ્યો નથી, પરંતુ નિયમ ભંગ કરનારા સામે કેસ નોંધવામાં આવ્યો છે. અમે આ મામલાની તપાસ કરીશું અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

‘Sunday Express’ સાથે વાતચીત દરમિયાન ધારાસભ્ય ઇસ્લામે જણાવ્યું કે, મારા પિતા એક પ્રખ્યાત વ્યકિતત્વ હતા અને તેમના દ્યણા ફોલોઅર્સ છે. અમે વહીવટીતંત્રને તેમના નિધન અને જનાજા અંગે જણાવ્યું હતું. લોકોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે પોલીસે અનેક વાહનોને પરત કર્યા હતા. પરંતુ લોકો અન્ય રસ્તાથી આવ્યા અને તેમાં સામેલ થયા. ઉલ્લેખનીય છે કે અમીનુલ ઇસ્લામનું કથિત રીતે સાંપ્રદાયિક વાતાવરણ બગાડનાર ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જે બાદ એપ્રિલ મહિનામાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.

(4:14 pm IST)