Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

આજે તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામાનો 85મોં જન્મ દિવસ, ચીન પર ચિંતાના વાદળો ઘેરાયા

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કાર્યક્રમ આયોજિત કાર્યક્રમથી ચીનના પેટમાં તેલ જરૂર રેડાશે

નવી દિલ્હી: પૂર્વ લદ્દાખમાં ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચે તનાવ યથાવત છે. ભારત તરફથી એક પછી એક આર્થિક ફટકા ખાઈ રહેલા ચીનને એક નવી ચિંતા સતાવી રહી હશે. આજે 14માં તિબેટીયન આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાનો 85મો જન્મ દિવસ મનાવવામાં આવશે. આ અવસરે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે, જેના પગલે ચીનના પેટમાં તેલ જરૂર રેડાશે.

તિબેટ પર જબરદસ્તીથી કબ્જો જમાવ્યા બાદ ચીન કાયમ દલાઈ લામાનો વિરોધ કરતું આવ્યું છે. ચીનને ફરી એકવાર ચિંતા સતાવી રહી હશે કે, દલાઈ લામા આજે પોતાના જન્મદિન નિમિત્તે તિબેટની સ્વતંત્રતાને લઈને કોઈ પ્રતિક્રિયા ના આપે! તિબેટ અવારનવાર ચીનથી આઝાદીની માંગ ઉઠાવતું રહ્યું છે, પરંતુ ચીન કાયમ અત્યાચાર કરીને તેમના અવાજને દબાવતુ આવ્યું છે.

14માં દલાઈ લામાનો જન્મ 6 જુલાઈ, 1935માં થયો હતો. બાળપણથી જ તેઓ તિબેટિયનોની હાલાકીને સમજતા હતા અને આ મામલે ચીન વિરુદ્ધ અવાજ ઉઠાવવા લાગ્યા હતા. ભારતે દલાઈ લામાને ત્યારે શરણ આપી હતી, જ્યારે તેઓ માત્ર 23 વર્ષના જ હતા.

 વાસ્તવમાં 13માં દલાઈ લામાએ 1912માં તિબેટને ચીનથી સ્વતંત્ર જાહેર કરી દીધુ હતુ. આ કારણે 1950માં ચીનના લોકોએ તિબેટ પર આક્રમણ કર્યું હતું. આ સમયે 14માં દલાઈ લામાની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી હતી. આ લડાઈમાં તિબેટને હારનો સામનો કરવો પડ્યો.

થોડા વર્ષો બાદ તિબેટના લોકોએ ચીની શાસન વિરુદ્ધ બળવો પોકારીને પોતાની સ્વતંત્રતાની માંગ કરવા લાગ્યાં. જો કે તેમાં તેમને નિષ્ફળતા જ હાથ લાગી. દલાઈ લામાને લાગ્યું કે, તેઓ ચીન તેમના ઉપર અત્યાચાર ગુજારશે. આથી તેમણે 1959માં ભારતમાં શરણ લીધી. દલાઈ લામા સાથે મોટી સંખ્યામાં તિબેટીયનો પણ ભારતમાં આવ્યા હતા.

ભારતમાં શરણાર્થી તરીકે રહેતા તિબેટિયનોની સંખ્યા 80,000થી વધુ છે. આ તમામ લોકો હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રહેવા લાગ્યા. 1989માં દલાઈ લામાને શાંતિ માટે નોબેલ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે.

(12:09 pm IST)