Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

નારિયેળ તેલમાં કોરોનાને હંફાવવાની તાકાત?

બેકટેરીયા-વાયરસ-ફુગ જેવા રોગો જીવોને મારી શકે છે

મુંબઈ, તા.૬: કોરોના વાયરસ મહામારીના સમયમાં નારિયેળ તેલ અને તેનાથી 'સ્વાસ્થ્યને લગતા ફાયદા' ફરી એકવાર ડોકટરોમાં ચર્ચાનાં કેન્દ્રમાં છે.

ભારતની પ્રતિષ્ઠિત જર્નલમાંથી એક JAPI (જરનલ ઓફ અસોસિએશન ઓફ ફિઝિશિયન)એ જુલાઈના પોતાના એડિશનમાં નારિયેળ તેલના 'ઇમ્યુનો મોડ્યુલેશન બેનેફિટ્સ'અને 'સુક્ષ્મજીવાણુઓ સામે કામ કરવાની ક્ષમતા' પર સમીક્ષા કરી છે.

આ પેપરના મુખ્ય લેખકોમાંથી એક ડો. શશાંક જોશીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, 'નારિયેળ તેલમાં લોરિક એલિડ હોય છે. જે શરીર દ્વારા સરળતાથી સંશ્લેષિત થઈ શકે છે. ભારતીયો વધારે પ્રમાણમાં સેચ્યુરેટેડ ફેટી એસિડ લે છે, ખાસ કરીને દ્યી, જે શરીરના મેટાબોલિઝમ માટે ફેટ મેળવવાનો યોગ્ય સ્ત્રોત છે.' શશાંક જોશી ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝિશિયન્સના ડીન અને કોવિડ ૧૯ માટેની રાજય સરકારની ટાસ્ટ ફોર્સના સભ્ય પણ છે.

૪ હજાર વર્ષ પહેલાથી જ નારિયેળ તેલનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે કરવામાં આવી રહ્યો છે. જયારે તેનું સેવન કરવામાં આવે અથવા તો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે લોરિક એસિડ રિલીઝ કરે છે. જે મોનોલૌરિન બનાવે છે અને તે બેકટેરિયા, વાયરસ અને ફૂગ જેવા રોગકારક જીવોને મારી શકે છે.

'કોવિડ ૧૯ નારિયેળ તેલ પર સમીક્ષા કરવા માટેનું મુખ્ય કારણ નહોતું. પરંતુ તે હકીકત છે કે, રસોઈમાં નારિયેળ તેલનો વધારે પડતો ઉપયોગ કરનારા કેરળના લોકો કોરોના સામે સારી રીતે લડવામાં સફળ થયા છેલૃ, તેમ ડો.જોશીએ કહ્યું. તેમણે તેમ પણ કહ્યું કે, અમેરિકામાં વર્જિન નારિયેળ તેલનો ઉપયોગ છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યો છે.

બધા ડોકટરો આ વાતની પુષ્ટિ કરતાં નથી. સરકારી હોસ્પિટલ સાથે જોડાયેલા એક ડોકટરે કહ્યું કે, નારિયેળ તેલ કોવિડ ૧૯ જેવા ચેપી રોગો સામે રક્ષણ આપે છે, તે વાત કહેવાનો કોઈ આધારરુપ પુરાવો નથી. શ્નતે બધાને જાણ છે કે, તેમાં એન્ટીમાઈક્રોબાયલ ગુણધર્મો છે. આ સિવાય તેમાં ભરપૂર પ્રમાણમાં ઝીંક હોય છે, જે કોરોનાના દર્દીઓની ઈમ્યૂનિટી બૂસ્ટ કરવાનું કામ કરે છેલૃ, તેમ ડોકટરે કહ્યું. 'પરંતુ અમે જાણતા નથી કે, નારિયેળ તેલમાં રહેલા આ કેમિકલ્સને શોષી લેવામાં માનવ શરીર કેટલું સક્ષમ છે'.

દિલ્હીના એન્ડોક્રિનોલોજિસ્ટ ડો. અનૂપ મિશ્રાએ કહ્યું કે, શ્નનારિયેળ તેલ માનવીમાં રોગપ્રતિકારક શકિત વધારવામાં મદદ કરતું હોવાનું સાબિત થાય તો મને ખુશી થશે. પરંતુ વર્તમાનમાં ડેટા એટલો મર્યાદિત છે કે આ બાબતે વધારે કંઈ કહી શકાય નહીં. તેમણે કહ્યું કે, ફિશ ઓઈલમાં ઈમ્યૂન-મોડ્યુલેટરી ગુણધર્મ હોય છે. 'પરંતુ કોવિડ ૧૯ના દર્દીઓમાં તેનું ટેસ્ટિંગ કરવાનું બાકી છે', તેમ તેમણે કહ્યું.

માર્ચ મહિનામાં જયારથી ભારતમાં કોરોના વાયરસ ફેલાયો છે ત્યારથી ભારતીય અથવા વૈકલ્પિક દવાઓના ઉપયોગ વિશે ચર્ચા થઈ રહી છે. ભારતીય આરોગ્ય અધિકારીઓએ ઈમ્યૂનિટી બૂસ્ટ કરવા માટે હોમિયોપેથી અને આયુર્વેદિકના ઉપયોગને મંજૂરી આપી છે.

(4:13 pm IST)