Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સમગ્ર વિશ્વ માટે બેડન્યુઝ

ચીનના પાપે હવે 'બ્યુબોનિક પ્લેગ' ફેલાવાનો ખતરો

આ ખતરનાક બિમારીએ ચીનમાં દેખા દીધી : બે દર્દી સામે આવ્યા : હાઇએલર્ટ જારી : વિશ્વમાં ત્રણ વખત ફેલાયો છે પ્લેગઃ લાખો લોકોના જીવ લીધા છે પ્લેગે

નવી દિલ્હી તા. ૬ : કોરોના વાયરસ સામે ઝઝુમી રહેલા વિશ્વ માટે એક બેડ ન્યુઝ છે. હવે ફરી એક વખત ચીન ખાતેથી સમગ્ર વિશ્વમાં એક ખતરનાક અને જીવલેણ બિમારી ફેલાવાનો ખતરો ઉભો થયો છે. આ બિમારીએ અગાઉ પણ સમગ્ર વિશ્વમાં લાખો લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે. આ જીવલેણ બિમારીનો દુનિયામાં ત્રણ વખત હુમલો થયો છે. પહેલીવાર તેણે ૫ કરોડ લોકો, બીજી વખત સમગ્ર યુરોપની એક તૃત્યાંશ વસ્તી અને ત્રીજી વખત ૮૦,૦૦૦ લોકોના જીવ લીધા હતા. હવે ફરી એકવાર આ બિમારી - મહામારી ચીનમાં ટકોરા મારી રહી છે. આ બિમારીનું નામ છે 'બ્યુબોનિક પ્લેગ'. ઉત્તર ચીનની એક હોસ્પિટલમાં આ પ્લેગનો કેસ સામે આવ્યા બાદ ત્યાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. કુલ બે દર્દીને દાખલ કરાયા છે. બયન્નુરની એક હોસ્પિટલમાં કેસ આવ્યો છે. લોકોને સતર્ક રહેવા જણાવાયું છે ચેતવણી ૨૦૨૦ના અંત સુધી જારી થઇ છે. આ બીમારી જંગલી ઉંદરમાંથી મળતા બેકટેરીયાથી થાય છે.

આ બેકટેરીયાનું નામ છે યર્સિનિયા પેસ્ટિસ બેકટીરિયમ જે શરીફના રકત અને ફેફસા પર પ્રહાર કરે છે. જેનાથી આંગળી કાળી પડી સડવા લાગે છે. નાકનું પણ આવું જ થાય છે.

ચીન સરકારે બયન્નુર શહેરમાં માનવ પ્લેગ ફેલાવાના ખતરાની આશંકા વ્યકત કરી છે. બ્યુબોનિક પ્લેગને ગિલ્ટીવાળો પ્લેગ પણ કહે છે તેનાથી શરીરમાં અસહ્ય દર્દ, ભારે તાવ થાય છે. નાડી ઝડપી ચાલે છે. બ્યુબોનિક પ્લેગ પહેલા જંગલી ઉંદરમાં થાય છે. ઉંદર મરે તે પછી આ પ્લેગના બેકટેરીયા પિસ્સુઓ થકી માનવ શરીરમાં પ્રવેશ કરે છે તે પછી જ્યારે પિસ્સુ માણસોને ડંખ મારે છે તે સંક્રમણ માણસોને રકતમાં થઇ જાય છે. ઉંદર મરવાનું શરૂ થાય તેના બે-ત્રણ સપ્તાહ બાદ માનવીમાં પ્લેગ ફેલાય છે.

વિશ્વમાં ૨૦૧૦થી ૨૦૧૫ વચ્ચે પ્લેગના ૩૨૪૮ કેસ સામે આવ્યા છે. જેમાં ૫૮૪ના મોત થયા છે. આ પહેલા ૧૯૭૦થી લઇને ૧૯૮૦ સુધી તે ચીન, ભારત, રૂસ, આફ્રીકા, લેટીન અમેરિકા અને દ.અમેરિકાના દેશોમાં જોવા મળ્યો છે.  આ બિમારી માણસમાં ફેલાવા સક્ષમ છે. તેથી વધુ કેસ આવવાની શકયતા છે. તેથી ચીને એલર્ટ જારી કરેલ છે.

(11:00 am IST)