Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અમેરિકા ભારતને પ્રેમ કરે છે

વોશિંગ્ટન, તા. ૫ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના ૨૪૪મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે અને કહ્યું કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે. અમેરિકામાં ૪ જુલાઈના રોજ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. અમેરિકા આ દિવસે ૧૭૭૬ના રોજ બ્રિટન સામ્રાજ્યથી આઝાદીના જાહેરાતપત્રના પ્રકાશનની ઉજવણી કરી છે. અમેરિકામાં આ દિવસે જાહેર રજા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના સ્વતંત્રતા દિવસના અવસર પર શનિવારે ટ્રમ્પ અને અમેરિકાના લોકોને શુભેચ્છા આપતા ટ્વીટ કરીને કહ્યું કે, આ દિવસે સ્વતંત્રતા અને માનવ ઉદ્યમનો જશ્ન મનાવવામાં આવે છે. અમે તેનું સ્વાગત કરીએ છીએ.

             હું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકા લોકોને દેશના ૨૪૪મા સ્વતંત્રતા દિવસ પર અભિનંદન પાઠવું છું. ટ્રમ્પે આ ટ્વીટના જવાબમાં કહ્યું કે, ધન્યવાદ મારા મિત્ર. અમેરિકા ભારતને પ્રેમ કરે છે. વિશ્વના સૌથી જૂના અને સૌથી મોટા લોકતાંત્રિક દેશોના નેતાઓની વચ્ચે ટ્વીટર પર વાતચીતનું બંને દેશોએ સ્વાગત કર્યું છે. આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. ટ્રમ્પ વિક્ટરી ઈન્ડિયન-અમેરિકન ફાઈનેન્સ કમિટીના સહ અધ્યક્ષ માસોને કહ્યુંકે દુનિયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકા અને ભારત, વિશ્વના સૌથી મોટા બે લોકતંત્રોની વચ્ચે અવિશ્વસનીય પ્રેમ અને સંબંધોના સાક્ષી બની રહ્યા છે.

(12:00 am IST)