Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

લીડ્સના મેદાન પર શ્રીલંકાને ૭ વિકેટે પરાસ્ત કરતું ભારત : રાહુલએ ફટકારી શાનદાર સદી : ભારતનો દબદબાભેર વિજય : શ્રીલંકા હારતા હવે સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડની ટીમ ફાઈનલ

લંડન : લીડ્સના મેદાન પર રોહિત શર્મા (103) અને લોકેશ રાહુલની સદી (111)ની મદદથી ભારતે આઈસીસી વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 7 વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. ટોસ જીતીને શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 264 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 43.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી શ્રીલંકાને પરાસ્ત કર્યું હતું.

રોહિત શર્માએ 94 બોલમાં 14 ફોર અને 2 સિક્સર સાથે 103 રન બનાવ્યા હતા. જ્યારે રાહુલે 118 બોલમાં 11 ફોર અને 1 સિક્સર સાથે 111 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે 189 રનની ભાગીદારી કરી હતી. જ્યારે રાહુલ અને વિરાટ વચ્ચે 55 રનની ભાગીદારી નોંધાઈ હતી. કોહલી 34 અને હાર્દિક પંડ્યા 7 રને અણનમ રહ્યા હતા.

અગાઉ શ્રીલંકા તરફથી એન્જલો મેથ્યુસે સદી અને થિરીમાનેએ અડધી સદી ફટકારી હતી.ધનંજયા ડી સિલ્વા 29 રને અણનમ રહ્યો હતો. ફર્નાન્ડોએ 20, કુશાલ પરેરાએ 18 રન બનાવ્યા હતા. ભારત તરફથી બુમરાહે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.

આઈસીસી વર્લ્ડ કપમાં  ભારત સામે લીડ્સમાં રમાય રહેલી મેચમાં શ્રીલંકાના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રીલંકા સામે ચહલ અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી છે.

વર્લ્ડ કપ 2019માં સેમિ ફાઇનલની ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. સૌથી પહેલા ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં પહોંચ્યું અને આ પછી ભારતીય ટીમે અંતિમ ચારમાં સ્થાન બનાવ્યું હતું. ત્રીજા નંબરે ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલમાં પહોંચ્યું હતું. ચોથી ટીમ તરીકે ન્યૂઝીલેન્ડે સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.

વર્લ્ડ કપ 2019ની પ્રથમ સેમિ ફાઇનલ 9 જુલાઈના રોજ માન્ચેસ્ટરમાં અને બીજી સેમિ ફાઇનલ 11 જુલાઈના રોજ બર્મિઘમમાં રમાશે. જ્યારે 14 જુલાઈને રવિવારે ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાન પર ફાઇનલ રમાશે.

(10:44 pm IST)