Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

લેભાગુથી સાવધાન : વ્હોટ્સેપમાં દિવ્યાંગોને પેંશન આપવાનો ફરતો મેસેજ ખોટો: કોઈએ ભરમાવું નહીં

સર્વેના બહાને કોઇ સ્થળે ટેલીફોનીક સૂચના કે રૂબરૂમાં બોલાવવામાં આવે તો કોઇએ જવું નહીં

આજના સોશિયલ મીડિયાના યુગમાં એક ખોટી માહિતી ફરતી થઇ છે  એક ખોટી માહિતી વિકલાંગ ભાઇઓ-બહેનો માટે ફરતી થઇ હતી, જે અંગે સરકારના સમાજ સુરક્ષા વિભાગે સ્પષ્ટતા કરી છે.
   છેલ્લા કેટલાક દિવસોથી મેસેજ ફરી રહ્યા છે કે ‘‘૪૦ ટકા થી ૮૦ ટકા સુધીની વિકલાંગતા ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓને પેન્શન આપવામાં આવશે’’ જે બાબતે જિલ્લાના દિવ્યાંગ ભાઇઓ-બહેનોને જણાવવાનું કે. આવા મેસેજ તદ્દન ખોટા છે અને આવા મેસેજનો ફેલાવો કરવો નહીં અને આ મેસેજને સાચા માનીને કોઇને સોશિયલ મીડિયામાં શેર કરવા નહીં.

   આવી બાબતે કોઇ લેભાગુ તત્વો દ્વારા સર્વેના બહાને કોઇ સ્થળે ટેલીફોનીક સૂચના કે રૂબરૂમાં બોલાવવામાં આવે તો કોઇએ જવું નહીં અને કોઇની સાથે આ બાબતે કોઇપણ નાણાંકીય વ્યવહાર કરવો નહીં અને આવું કંઇ માલુમ પડતાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, સી-બ્લોક, પહેલો માળ, નર્મદાભવન, વડોદરાને ટેલીફોન ૦૨૬૫-૨૪૨૮૦૪૮ પર રૂબરૂ કે ટેલીફોનીક સંપર્ક કરવા જણાવાયું છે.
   રાજય સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા માત્ર ૮૦ ટકા કે તેથી વધારે વિકલાંગતા ધરાવતા તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે ૦ થી ૨૦ના સ્કોરવાળા બી.પી.એલ. લાભાર્થીઓ અને શહેરી વિસ્તારો માટે બી.પી.એલ. યાદીમાં નામ હોવા અંગેનો યુ.સી.ડી.નો દાખલો હોય તેવા વિકલાંગ વ્યક્તિઓને ઇન્દિરા ગાંધી નેશનલ ડીસેબીલીટી પેન્શન સ્કીમ અને સંત સુરદાસ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.

(9:04 pm IST)