Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

નિરવ મોદી પાસેથી ૭૨૦૦ કરોડ વસુલવા માટેની મંજુરી

મોદી અને તેમની કંપનીઓ ઉપર તવાહી લવાશે : પંજાબ નેશનલ બેંકને મંજુરી આપવામાં આવી : અહેવાલ

મુંબઈ, તા. ૬ : પંજાબ નેશનલ બેંક ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ (ડીઆરટી) મુંબઈએ આજે તેનો અતિ મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. જેના ભાગરૂપે ભાગેડુ આરોપી નિરવ મોદી અને તેમની કંપનીઓને વ્યાજ સાથે ૭૨૦૦ કરોડ રૂપિયા ચુકવી દેવાનો આદેશ કર્યો હતો. પંજાબ નેશનલ બેંક અને બેંકોના કન્સોર્ટિયમને નાણાં ચુકવી દેવાનો આદેશ કર્યો હતો. પીએનબી દ્વારા ૭૦૦૦ કરોડ રૂપિયાની રિકવરી માટે નિરવ મોદીની સામે ગયા વર્ષે જુલાઈ મહિનામાં ડીઆરટીમાં રજુઆત કરવામાં આવી હતી. બેંકોની આ ટીમે મોડેથી ૨૦૦ કરોડ રૂપિયાની રિકવરી માટે વધુ એક અરજીની માંગ કરી દીધી હતી. ડીઆરટી દ્વારા આના આધાર ઉપર હવે રિકવરી માટે પ્રમાણપત્ર જારી કરી દીધુ છે. જેના ભાગરૂપે નિરવ મોદી સામે રિકવરીની પ્રક્રિયા આગળ વધારવાની મંજુરી આપી દેવામાં આવી છે. રિકવરી ઓફિસર હવે નિરવ મોદીની સંપત્તિ જપ્ત કરી શકે. જો જરૂર પડે તો નિરવ મોદીની સંપત્તિ બેંકના રિકવરી ઓફિસર જપ્ત કરી શકે છે. પરંતુ ઈડી દ્વારા પહેલાથી જ નિરવ મોદીની મોટા ભાગની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે. જેથી હવે જોવુ પડશે કે આ પ્રક્રિયાને આગળ કઈ રીતે વધારી શકાય છે. નિરવ મોદી અને અન્યો પણ આની સામે રજુઆત કરી શકે છે. બીજી બાજુ રિકવરી ઓફિસર પણ કોર્ટમાં રજુઆત કરી શકે છે. પૂણેમાં હાલમાં જ સમગ્ર મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન ડીઆરટીના સભ્યો દ્વારા પણ રજુઆત કરવામાં આવી હતી. ડીઆરટી દ્વારા બેંકોની ટીમને વધુ એક અરજી કરવાની મંજુરી આપવામાં આવી હતી. નિરવ મોદી અને તેમની કંપનીઓમાંથી ૨૦૦ કરોડ રૂપિયાની રિકવરીનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. પંજાબ નેશનલ બેંક દ્વારા જુલાઈ ૨૦૧૮માં પ્રથમ વખત કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નિરવ મોદી અને તેમની કંપનીઓ પાસેથી ૭૦૦ કરોડ રૂપિયાની વસુલાત માટે આ પ્રક્રિયા ચાલી રહી છે. બોગસ લેટર ઓફ અન્ડરટેકિંગ મારફતે આ નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા. બીજી બાજુ બેંકોમાં લખવામાં આવેલા પત્રમાં નિરવ મોદીએ નાણાંની કોઈ ઉચાપત કર્યું હોવાનો ઈન્કાર કર્યો હતો. બેંકો દ્વારા બે અરજીઓ દાખલ કરવામાં આવી ચુકી છે. નિરવ મોદી હાલમાં વિદેશમાં જેલમાં છે. મુંબઈમાં પીએનબી દ્વારા નિરવ મોદીની મોટા ભાગની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે. જેમાં મોટરબોટ, કિંમતી જમીનો અને દુબઈમાં પ્રોપર્ટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૨૫ આર્ટ વર્ક પણ કબ્જો કરવામાં આવી ચુક્યા છે. જોકે, આ આર્ટની હરાજી અન્ય એજન્સી દ્વારા કરવામાં આવી ચુકી છે. નુકસાનને ટાળવા માટે પીએનબી દ્વારા વિવિધ રજુઆત કરવામાં આવી ચુકી છે. નિરવ મોદીની સંપત્તિ કેટલી છે તેને લઈને પણ એક યાદી તૈયાર કરવામાં આવી ચુકી છે. નિરવ મોદીની સંપત્તિની કિંમત ૩૪૦૨ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. સંપત્તિ જપ્ત કરવા માટેના આદેશની માંગ કરીને અરજી કરવામાં આવી ત્યારે આ પ્રકારની યાદી પણ રજુ કરાઈ હતી. પીએનબી દ્વારા નિરવ મોદી અને તેમના પત્નિ,ભાઈ સામે ડીઆરટીમાં રજુઆત કરી હતી. તેમના પત્નિ અમી, તેમના ભાઈ નિસલ, નેહલ, તેમના ત્રણ બાળકો, તેમના પિતા દિપક મોદી અને તેમની કંપનીઓ સહિત તમામ સામે ડીઆરટીમાં અરજી દાખલ કરાઈ હતી.સંપત્તિની વિગતો સીએ સંપત અને મહેતા દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ બંન્ને દ્વારા કહેવામાં આવ્યું છે કે, નિરવ મોદી સંપત્તિની યાદી વિગતવાર રીતે તૈયાર કરાઈ છે. બીજી બાજુ નિરવ મોદીએ આ પ્રકારના આક્ષેપોને રદિયો આપ્યો છે. સંપત્તિની યાદીમાં દુબઈમાં રહેલા ત્રણ ફ્લેટ જેની કિંમત ૬.૫ કરોડ રૂપિયા છે. આવી જ રીતે સિંગાપુર અને હોંગકોંગમાં પણ ફ્લેટ છે. જેની કિંમતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઉપરાંત અમીના નામ ઉપર પર સંપત્તિ રહેલી છે.

(7:28 pm IST)