Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ભારતીય કબ્જાવાળી જમીન પર દબાણ કરીને પચાવી પાડવા ધમપછાડા કર્યાઃ ભારતે કર્યો વિરોધ

કરાચીમાં ભારતીય દુતાવાસ પર કબ્જો

કરાચી, તા.૬: પાકિસ્તાનને ભારત વિરોધી પ્રવૃતિ આચર્યા વગર જમવાનું પચતું જ નથી અને હવે ભારતીય કબજાવાળી જમીન પર દબાણ કરીને જમીન અને બિલ્ડીગ પચાવી પાડવાના પરાક્રમ શરૂ કર્યા છે. કરાચી ખાતે આવેલી જુની કોનસ્યુલેટ કચેરીમાં અજાણ્યા લોકોએ દબાણ કયુંર્ છે અને આ જમીન તથા ઈમારતનો ગેરકાયદે ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે ભારત આ અંગે પોતાનો વિરોધ નોંધાવી દીધો છે.

વિદેશ મંત્રાલય દ્વારા ભારત ખાતેના પાક.ના ડેપ્યુટી હાઈકમિશનર હેદર શાહને બોલાવવામાં આવ્યા હતા અને એમને કડક ભાષામાં આ દબાણ હટાવવા અને ગેરકાયદે વસાહતીઓને કાઢવાની સુચના અપાઈ હતી.

કોનસ્યુલેટ કચેરીની વિશાળ ઈમારતના ગાર્ડને ધમકાવીને કેટલાક અજાણ્યા શખસોએ આ ઈમારતમાં અંદર ઘુસી જઈ તેનો ઉપયોગ શરૂ કરી દીધાની જાણ ભારતને થઈ ગઈ હતી. પાક.ના ડેપ્યુટી હાઈકમિશનરને એક નોટ સોંપવામાં આવી છે. જેમાં ભારતે આ ઘુસણખોરીને અત્યંત ગંભીર બાબત ગણાવીને તેનો વિરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, હવે કોઈ પણ વિલંબ કર્યા વગર આ અજાણ્યા શખસોને ઈમારતમાંથી બહાર કાઢીને દબાણ દૂર કરાવવાની પાક. સરકારની ફરજ છે. આ કોનસ્યુલેટ કચેરી ૧૯૯૪માં બંધ કરી દીધી હતી. પાક.ના લશ્કરી અધિકારીઓએ પણ ઈમારતને બંધ કરવા પાછળ અલગ જ તર્ક આપ્યો હતો. વાસ્તવમાં ૧૯૯૩માં મુંબઈના શ્રેણીબધ્ધ ધડાકાઓનું કાવતરૂ જયાં રચાયું હતું તે શહેરમાં કોઈ ભારતીય ડિપ્લોમેટની હાજરી પાક.ને મંજૂર નહતી માટે તે ઈમારતને તાળા મારી દેવાયા હતા. કરાચીના સૌથી અદ્યતન વિસ્તાર ગણાતા ફાતિમા જીન્નાહ રોડ પર આ ઈમારત આવેલી છે અને તે ભારતની માલિકીની છે છતાં તેમાં દ્યુસણખોરી કરવામાં આવી છે. આ ઈમારતમાં વર્ષોથી કોઈ રહેતું નથી અને માત્ર ગાર્ડના પરિવારજનો જ વસે છે.

(3:38 pm IST)