Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

રાજીનામા પછી કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે રાહુલ ગાંધી

આજે પટણા કોર્ટમાં થશે હાજર ત્યાર પછી પણ અન્ય ત્રણ કેસ છે આ મહિનામાં

નવી દિલ્હી :. રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપીને પક્ષની જવાબદારીઓમાંથી તો છૂટકારો મેળવી લીધા છે પણ કોર્ટના કેસ તેમનો પીછો નથી છોડતા. ગુરૂવારે માનહાનીના એક કેસમાં તે મુંબઈની એક કોર્ટમાં હાજર થયા હતા. હવે બીજા એક કેસમાં આજે તેમને પટણાની એક કોર્ટમાં હાજર થવાનુ છે.

આજે જે કેસમાં તેમને પટણાની કોર્ટમાં હાજર થવાનુ છે તે કેસ બિહારના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપા નેતા સુશીલકુમાર મોદીએ નોંધાવ્યો છે. લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલરની રેલીમાં રાહુલે કહ્યુ હતુ કે બધા મોદી ચોર છે. ખરેખર તો બેંક છેતરપીંડીના ભાગેડુ આરોપી નીરવ મોદી અને આઈપીએલના ભૂતપૂર્વ કમિશ્નર લલિત મોદીના બહાને તેમણે વડાપ્રધાન મોદી પર નિશાન તાકવાની કોશિષ કરી હતી. આના પર વિરોધ દર્શાવતા સુશીલ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનીનો કેસ નોંધાવ્યો હતો. આ કેસને સીજેએમ શશિકાંત રોયે એસીજેએમ કુમાર ગુંજનની કોર્ટમાં મોકલી આપ્યો હતો.

રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમ્યાન ભાજપા અધ્યક્ષ અને વર્તમાન ગૃહ પ્રધાન અમિત શાહને હત્યાના આરોપી પાર્ટી પ્રેસીડેન્ટ કરીને ટીકા કરી હતી. આ કેસ અમદાવાદની એક કોર્ટમાં છે, જ્યાં તેમણે ૯ જુલાઈએ હાજર થવાનું છે, જ્યારે ૧૨ જુલાઈએ તેમણે ગુજરાતની જ બીજી એક કોર્ટમાં આપરાધિક માનહાનીના કેસમાં હાજર થવાનુ છે. તેમની વિરૂદ્ધ આ કેસ અમદાવાદ જીલ્લા કો-ઓપરેટીવ બેંકના ચેરમેને નોંધાવ્યો છે. જ્યારે ૨૪ જુલાઈએ તેમણે સુરતમાં ફરીથી બધા મોદી ચોર છે વાળા માનહાનિ કેસમાં હાજર થવાનુ છે. ઉલ્લેખનિય છે કે, ગુરૂવારે તેઓ આર.એસ.એસ. સામે કરેલા એક બયાન માટે મુંબઈની શિવડી કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં તેમણે પોતાને બેકસુર ગણાવ્યા હતા. આ કેસમાં કોર્ટે તેમને ૧૫ હજાર રૂપિયાના જાત મુચરકા પર જામીન પર છોડયા હતા.

(3:36 pm IST)