Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

કર્ણાટક : કુમારસ્વામી સરકાર પર ગંભીર ખતરો, ૧૪નાં રાજીનામા

જેડીએસ અને કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા :રાજીનામુ આપ્યા બાદ બળવાખોર ધારાસભ્યો રાજ્યપાલ વજુભાઈ વાળાને મળ્યા : ૨૨૪ સીટોવાળી કર્ણાટક વિધાનસભા સંખ્યાબળ ઘટીને ૨૧૦ થશે

બેંગ્લોર, તા. ૬ : કર્ણાટકમાં ૧૩ મહિના જુની એચડી કુમારસ્વામી સરકાર ઉપર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. કુમારસ્વામી સરકારનુ પતન હવે નિશ્ચિત દેખાઈ રહ્યું છે. કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોએ આજે રાજીનામા આપી દીધા હતા. આની સાથે જ કુમારસ્વામીના નેતૃત્વમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને મરણતોળ ફટકો પડ્યો હતો. જેડીએસ અને કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોના રાજીનામા બાદ આ ધારાસભ્યો રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા માટે પહોંચ્યા હતા. જેડીએસ અને કોંગ્રેસના ધારાસભ્યોએ સ્પીકરને રાજીનામુ આપ્યા બાદ રાજ્યપાલને મળવા માટે પહોંચી ગયા હતા. ૧૪ બળવાખોર ધારાસભ્યોના રાજીનામાથી સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. જો રાજીનામાને સ્પીકર દ્વારા સ્વીકાર કરી લેવામાં આવશે તો કુમારસ્વામી સરકારનુ પતન નિશ્ચિત દેખાઈ રહ્યું છે. ૧૪ બળવાખોર ધારાસભ્યોના રાજીનામાને ધ્યાનમાં લેવામાં આવે તો ૨૨૪ સભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાં સંખ્યાબળ ઘટીને ૨૧૦ થઈ જશે. આવી સ્થિતિમાં બહુમતિ માટે ૧૧૩ના બદલે ૧૦૬ સીટોની જરૂર રહેશે. બળવાખોર ધારાસભ્યોના રાજીનામા બાદ સાંસક જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનના ધારાસભ્યોની સંખ્યા ૧૧૮થી ઘટીને ૧૦૪ થઈ જશે. આના લીધે બહુમતી માટે તેને બે સીટોની જરૂર રહેશે.બહુમતી કરતા તેની બે સીટો ઓછી થઈ જશે. કર્ણાટક વિધાનસભામાં કુલ ૨૨૪ સીટો છે. બહુમતી માટે ૧૧૩ સીટોની જરૂર હોય છે. કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનના કુલ ૧૧૮ ધારાસભ્યો છે. જેમાં રાજીનામુ આપી ચુકેલા ધારાસભ્યો પણ સામેલ છે. આમા સ્પીકરને બાદ કરીને કોંગ્રેસના ૭૮, જેડીએસના ૩૭, બીએસપીના એક અને અપક્ષના બે ધારાસભ્યો સામેલ છે. ભાજપના ૧૦૫ ધારાસભ્યો છે. ધારાસભ્યોના રાજીનામાને લઈને મંગળવારના દિવસે સ્પીકર દ્વારા નિર્ણય લેવામાં આવશે. જો ૧૪ ધારાસભ્યોના રાજીનામાને સ્પીકર દ્વારા સ્વીકાર લેવામાં આવશે તો કુમારસ્વામી સરકારનુ પતન થશે અને ભાજપને સરકાર બનાવવાની તક મળી જશે એ વખતે બહુમતી માટે ૧૦૬ ધારાસભ્યોની જરૂર રહેશે અને ભાજપને માત્ર એક ધારાસભ્યની જરૂર પડશે. આજે શનિવારના દિવસે કોંગ્રેસ-જેડીએસના ૧૩ ધારાસભ્યોએ રાજીનામુ આપી દીધુ હતું. જેમાં કોંગ્રેસના જરકિહોલી, પ્રતાપ ગૌડા પાટિલ, શિવરામ હેબ્બર, મહેશ કુમાથલ્લી, બીસી પાટિલ, બાયરાતિબાસવરાજ, એસટી સોમાશેખર અને રામલિંગા રેડ્ડી સામેલ છે. આ ઉપરાંત જેડીએસના એએચ વિશ્વનાથ, નારાયણ ગૌડા અને ગોપાલૈયાહ સામેલ છે. વિશ્વનાથે હાલમાં જ જેડીએસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું હતું. સરકારના ભાવિ અંગે પ્રશ્ન કરવામાં આવતા જાણકાર લોકોએ કહ્યું છે કે, સરકાર ખુબ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. તેમના ભાવિના સંદર્ભમાં હવે મંગળવારના દિવસે નિર્ણય કરવામાં આવનાર છે. જેથી કર્ણાટકમાં મંગળવાર સુધી જોરદાર કટોકટી રહે તેવી શક્યતા છે. ભાજપ અને કોંગ્રેસે એક બીજા પર આક્ષેપો શરૂ કરી દીધા છે. સરકારને ગબડાવવાના પ્રયાસ કરવાનો ભાજપ ઉપર કોંગ્રેસ તરફથી આક્ષેપ કરાયો છે. સ્પીકર રમેશ કુમાર જ્યારે ધારાસભ્યો રાજીનામુ આપવા માટે પહોંચ્યા ત્યારે ઓફિસમાં ન હતા. મોડેથી પત્રકારો સાથે વાતચીત કરતા કુમારે કહ્યું હતું કે, ધારાસભ્યો ઓફિસમાં તેમના રાજીનામા આપી ચુક્યા છે. ૧૧ ધારાસભ્યો રાજીનામાના પત્ર સોંપી ચુક્યા છે. સરકારના ભાવિ અંગે પુછવામાં આવતા કુમારે કહ્યું હતું કે, આની સાથે તેમને કોઈ લેવા દેવા નથી. સરકારનુ પતન થશે કે બચી જશે તેને લઈને વિધાનસભામાં નિર્ણય લેવામાં આવશે. કુમારસ્વામી સરકાર જોરદાર રીતે મુશ્કેલીમાં આવી ગઈ છે. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમાર ધારાસભ્યોને મળ્યા હતા અને તેમને મનાવવાના પ્રયાસ કર્યા હતા.

વિધાનસભા સ્થિતિ.....

બેંગ્લોર, તા. ૬  : કર્ણાટકમાં ૧૩ મહિના જુની એચડી કુમારસ્વામી સરકાર ઉપર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. કુમારસ્વામી સરકારનુ પતન હવે નિશ્ચિત દેખાઈ રહ્યું છે. કર્ણાટક વિધાનસભાની વર્તમાન અને રાજીનામા બાદની સ્થિતિ નીચે મુજબ છે.

વર્તમાન સ્થિતિ

કર્ણાટક વિધાનસભામાં કુલ સીટો...................... ૨૨૪

બહુમતી માટે જરૂરી સીટ................................. ૧૧૩

કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન પાસે કુલ સભ્ય......... ૧૧૮

કોંગ્રેસના ધારાસભ્ય.......................................... ૭૮

જેડીએસના ધારાસભ્ય....................................... ૩૭

બસપના ધારાસભ્ય........................................... ૦૧

અપક્ષના ધારાસભ્ય.......................................... ૦૨

નોંધઃ- ૧૧૮ ધારાસભ્યોમાં રાજીનામુ આપનાર સભ્યો સામેલ છે. ભાજપની પાસે ૧૦૫ ધારાસભ્યો છે. ૧૪ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારાશે તો બહુમતી માટે ૧૦૬ ધારાસભ્યોની જરૂર રહેશે અને કુમારસ્વામી સરકારનુ પતન થશે. ભાજપને માત્ર એક સભ્યની જરૂર રહેશે. કોંગ્રેસ-જેડીએસ પર ગંભીર ખતરો છે.

(9:27 pm IST)