Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

અમેરિકી ધ્વજ બાળતા દેખાવકારો : ટ્રમ્પ ધુવાફુવા

ન્યૂયોર્ક  : અમેરિકાના સ્વતંત્રતા દિવસના અવસરે દેશના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન દરમ્યાન વ્હાઇટ હાઉસની સામે અમેરિકી ધ્વજ બાળવાની દ્યટના બાદ ટ્રમ્પ વિરોધી અને સમર્થક સમૂહોની વચ્ચે સંઘર્ષ થયો હતો, એ દરમિયાન કાયદા પ્રવર્તન એજન્સી સિક્રેટ સર્વિસના બે એજન્ટ ઘાયલ થયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે ડાબેરી પ્રદર્શનકારીઓએ વ્હાઇટ હાઉસ બહાર ધ્વજ બાળ્યો હતો. એ બાદ તેમના અને ટ્રમ્પના સમર્થકો વચ્ચે લડાઈ થઈ હતી. આ પ્રદર્શન જે સ્થળે થયા, તેના કેટલાક બ્લોક દૂર નેશનલ મોલમાં આતશબાજી જોવા અને ટ્રમ્પના ભાષણને સાંભળવા માટે લોકોના ટોળાં એકત્ર થયા હતા. રિવોલ્યૂશનરી કોમ્યુનિસ્ટ પાર્ટી, અમેરિકાએ વ્હાઇટ હાઉસની બહાર અમેરિકી ધ્વજ બાળ્યો અને અમેરિકા કયારેય મહાન ન હતું એવા નારા લગાવ્યા હતા. એ બાદ તરત જ સિક્રેટ સર્વિસે હસ્તક્ષેપ કર્યો હતો અને આગ બુઝાવી દીધી હતી. એ બાદ બંને જૂથો વચ્ચે લડાઈ થઈ હતી, જે દરમિયાન સિક્રેટ સર્વિસના બે એજન્ટ દ્યાયલ થયા અને બે દેખાવકારોને ગિરફતાર કરાયા હતા.

રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સ્વતંત્રતા દિવસ મનાવ્યો હતો અને એ દરમિયાન વોશિંગ્ટનમાં એક પરેડમાં સૈન્ય તાકાતનું અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું હતું. ટ્રમ્પ છેલ્લા ૭૦ વર્ષમાં એવા પહેલા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ છે, જેમણે સ્વતંત્રતા દિવસ પર દેશને સંબોધન કર્યું હતું. વિપક્ષે એ વાતની ટીકા કરી હતી અને સ્વતંત્રતા દિવસના રાજનીતિકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પરેડમાં ટ્રમ્પની સાથે ફર્સ્ટ લેડી મેલેનિયા, ઉપરાષ્ટ્રપ્રમુખ માઇક પેન્સ, તેમના કેબિનેટ સહયોગી અને શીર્ષ સૈન્ય નેતૃત્વ પણ સામેલ હતું.

(1:32 pm IST)