Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ટયૂનિશિયામાં પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલી બોટ ડૂબીઃ ૮૦નાં મોત

ટયૂનિશ : ટયૂનિશિયાના તટવર્તી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના બની હતી. પ્રવાસીઓ ભરીને જઈ રહેલી એક મોટી બોટ દરિયામાં ઊંધી વળી જતાં ઓછામાં ઓછા ૮૦ પ્રવાસીઓ ડૂબી ગયા હતા. ટયૂનિશિયાના તટરક્ષકોએ કહ્યું કે લીબિયાના ભૂમધ્ય સાગરના રસ્તે ઈટાલી જઈ રહેલી એક બોટમાં ૮૬ પ્રવાસીઓ હતા, જેમાંથી ફકત ૪ લોકોને બચાવી લેવાયા છે જયારે બાકીના ૮૦ લોકો ડૂબી ગયા છે. તેમણે કહ્યું કે તટરક્ષક ડૂબી ગયેલા પ્રવાસીઓની લાશ બહાર કાઢવા માટે શોધખોળ કરી રહી છે. મોટી બોટમાં ગુનિયા, આઈવરી કોસ્ટ, માલી અને ર્બિુકના ફાસો દેશના નાગરિકો હતા. બોટમાં ૪ મહિલાઓ પર હતી જેમાંથી એક ગર્ભવતી હોવાનું જણાવાય છે. બીજી એક મહિલા પાસે એક નાનું બાળક હતું. આ તમામ પ્રવાસીઓને બચાવી શકાયા નથી. ઉલ્લેખનીય છે કે ટયૂનિશિયાના દરિયામાં બોટ ડૂબવાની ઘટના નવી નથી. આ પહેલાં મે મહિનામાં આવી જ એક મોટી બોટ ડૂબી હતી જેમાં ૬૫ લોકોનાં મોત થયાં હતાં.

સંયુકત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીએ દુર્ઘટનાની જાણકારી આપી હતી. એજન્સીના અધિકારીએ જણાવ્યું કે બોટમાં તેની ક્ષમતા કરતાં વધારે પ્રવાસીઓ ભર્યા હતા જે મધદરિયે ડૂબી ગઈ હતી. દુર્ઘટનામાં જે ૪ પ્રવાસીઓને બચાવી લેવાયા છે તે લોકોએ જણાવ્યું હતું કે બોટમાં ઘણા પ્રવાસીઓ હતા. યુએનએચસીઆરના જણાવ્યાનુસાર દુર્ઘટના બાદ સ્થાનિક માછીમારોએ ચાર લોકોને બચાવી લીધા હતા. સંયુકત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ભૂમધ્ય સાગર પાર કરીને ઈટાલી જઈ રહી હતી ત્યારે બની હતી. દુર્ઘટનામાં બચી ગયેલા બે લોકોને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા, જયારે એકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

(1:32 pm IST)